હિંમતનગરઃ ઇડરના ભવાનગઢ ગામે એક અનોખું બેસણું યોજાયું હતું. રાજવી પરિવારે ઘરના મોભીનું અવસાન થતાં તેમને અનોખી રીતે શ્રદ્ધાંજલી આપી હતી. ભવાનગઢના રાજવી પ્રવીણસિંહ કુંપાવતનું 70 વર્ષની વયે 18 ડિસેમ્બરે ઓસ્ટ્રેલિયામાં નિધન થયું હતું, જેમનું બેસણું લગ્નપ્રસંગની જેમ યોજાયું હતું. જેમાં મહેમાનો માટે અવનવી વાનગીઓ સાથે ભોજનની પણ વ્યવસ્થા રખાઈ હતી. બેસણાનો મંડપ પણ લગ્નપ્રસંગની જેમ રંગબેરંગી હતો. બેસણામાં 5000 પરિવારને અયોધ્યા રામમંદિર દર્શન ખાતે લઈ જવાનું અને જરૂરિયાતમંદોને 100 ગાયોનું દાન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
‘પિતાએે દરેક ક્ષણ મનભરી જીવવા શીખ આપી’
રાજવી પ્રવીણસિંહ કુંપાવતના પુત્ર સત્યજિતસિંહ કુંપાવતે કહ્યું કે, આ પ્રસંગ અમારા માટે દુઃખદ ઘટના છે પણ મારા પિતાએ જીવન આનંદમય રીતે વ્યતીત કર્યું હતું. પિતાના નિધન બાદ અમારી પાસેની યાદગીરીરૂપે રહેલા 12થી 15 હજાર ફોટો લગ્નપ્રસંગમાં મૂકવામાં આવે તેમ મંડપમાં મુકાયા હતા. પિતાએ જીવનની દરેક ક્ષણ મનભરીને જીવવાની શીખ આપી હતી, એટલે જ બેસણું તેમના મિજાજને છાજે એ રીતે યોજાયું છે.

