બેંગલુરુઃ ભારત માટે અને ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઇસરો માટે નવા વર્ષનો પહેલો દિવસ નવી સિદ્ધિ હાંસલ કરનારો બની રહ્યો હતો. ઇસરો દ્વારા બરાબર 9:10 વાગ્યે ઇસરોના સૌપ્રથમ એક્સ-રે પોલિરીમીટર ઉપગ્રહ XPoSat ને પોલર સેટેલાઇટ લોન્ચ વ્હિકલ (PSLV) C-58 દ્વારા અવકાશમાં છોડવામાં આવ્યો હતો. રોકેટ ફાયર થતાં જ આકાશમાં ગુલાબી અને વાદળી રંગની ધૂમ્રશેરો સાથે ઉપગ્રહ 21 મિનિટમાં અંતરીક્ષમાં 650 કિ.મી.ની ઊંચાઈએ પહોંચી ગયો હતો અને સેટેલાઇટ XPoSatને નિર્ધારિત ભ્રમણકક્ષામાં તરતો મૂકવામાં આવ્યો હતો. ભારત માટે મહત્ત્વની વાત એ છે કે ઉપગ્રહ XPoSatદ્વારા બ્લેક હોલ અને આકાશગંગાનાં રહસ્યોનો તાગ મેળવવામાં આવશે. આ ઉપગ્રહ 5 વર્ષ સુધી કામ કરતો રહેશે. આમ 2028 સુધી તે સંશોધનમાં મદદ કરતો રહેશે.

