ઉગ્રવાદને નાથવા કેન્દ્ર સરકાર અને ઉલ્ફા વચ્ચે ઐતિહાસિક શાંતિ સમજૂતી

Wednesday 03rd January 2024 06:11 EST
 
 

નવી દિલ્હીઃ આસામના ઉગ્રવાદી સંગઠન ઉલ્ફાના વાટાઘાટો તરફી એવા અરવિંદ રાજખોવા જૂથે કેન્દ્ર સરકાર અને આસામ સરકાર સાથે ઐતિહાસિક શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. ઉત્તર-પૂર્વના સૌથી મોટા ઉગ્રવાદી સંગઠન ઉલ્ફાના રાજખોવા જૂથે હિંસાનો માર્ગ છોડીને સંગઠન વિખેરી નાખી લોકતાંત્રિક પ્રક્રિયામાં જોડાવા માટે સંમતિ દર્શાવી છે. ઉલ્ફાના રાજખોવા જૂથ અને સરકાર વચ્ચે 12 વર્ષ લાંબી બિનશરતી વાટાઘાટોની ફળશ્રુતિ સ્વરૂપે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની ઉપસ્થિતિમાં શાંતિ સમજૂતી થઈ. જે આસામમાં દાયકાઓ જૂના ઉગ્રવાદનો અંત લાવશે. શાહે શાંતિ સમજૂતી માટેનો શ્રેય ઉલ્ફા પ્રતિનિધિઓને આપતાં કહ્યું, તેમના પ્રયાસોથી જ સમજૂતી શક્ય બની છે. રાજખોવા જૂથે કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે સસ્પેન્શન ઓફ ઓપરેશન્સ માટેના કરાર બાદ 2011ની 3 સપ્ટેમ્બરે સરકાર સાથે શાંતિમંત્રણા આરંભી હતી. જો કે પરેશ બરૂઆના નેતૃત્વ હેઠળનું ઉલ્ફાનું કહર જૂથ શાંતિ સમજૂતીમાં નથી જોડાયું.


comments powered by Disqus