ગાંધીનગરઃ આઝાદીકાળથી સતત નશાબંધીને વરેલા મહાત્મા ગાંધીના ગુજરાતના પાટનગર ગાંધીનગરની ભાગોળે આકાર પામેલા અને ગેટ વે ટુ ઇકોનોમી બનવા તરફ મહત્ત્વનાં કદમ ભરી રહેલા ગિફ્ટ સિટીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે શરાબના સેવનની છૂટ આપવાનો દૂરોગામી અસરો પેદા કરનારો ક્રાંતિકારી નિર્ણય લીધો છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2024 પૂર્વે સરકારે ગિફ્ટના વિસ્તરણ માટેના ડેવલપમેન્ટ પ્લાનની જાહેરાત કરી છે. તેમાં આ જાહેરાતથી રોકાણકારો અને કામ કરનારા લોકોને ઘણી સરળતા રહેશે.
રાજ્ય સરકારના નિર્ણય મુજબ ગિફ્ટમાં અધિકૃત કામ કરનારા કર્મચારીઓ, અધિકારીઓ તથા અધિકૃત મુલાકાતે આવેલા મુલાકાતીને અહીંની હોટેલ્સ, રેસ્ટોરાંમાં શરાબના સેવનની છૂટ અપાઈ છે.
નિર્ણય પાછો ખેંચો: શક્તિસિંહ
રાજ્યની ભાજપ સરકારના નિર્ણય અંગે આકરી પ્રતિક્રિયા વ્યક્ત આપતાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, ગુજરાતની સમૃદ્ધિ દારૂબંધીને આભારી છે, ત્યારે સરકાર આ નિર્ણય પાછો ખેંચે તેવી માગ કરું છું.
પરમિટધારકને દારૂ નહીં
ગિફ્ટ સિટીમાં હેલ્થ પરમિટ અથવા ટૂરિસ્ટ પરમિટ ધરાવનારને દારૂ પીવા મળી શકશે નહીં તેવી સ્પષ્ટ જોગવાઈ કરાઈ છે.
સરકારને રૂ. 1000 કરોડની આવકનો અંદાજ
ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટીમાં મર્યાદિત રીતે દારૂબંધીને હળવી કરવાનો નિર્ણય કર્યો તેને મોટાભાગના મંત્રીઓ તેમજ આઇએએસ અને આઇપીએસ અધિકારીઓ આવકારી રહ્યા છે. ગિફ્ટ સિટીમાં દારૂની છૂટને કારણે સરકારને દરવર્ષે રૂ. 1000 કરોડની આવક થશે.

