બોલિવૂડ અભિનેત્રી દિયા મિર્ઝાએ તેના પુત્ર અવ્યાન, પતિ વૈભવ રેખી સાથે સાસણમાં સિંહદર્શન કર્યાં. દિયાએ આ સિંહ સફારીમાં પોતે તો ફોટોગ્રાફી કરી જ હતી, સાથેસાથે તેની સાથેના ગ્રૂપમાં વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર રાજકોટના તપન શેઠ, સુરેન્દ્રનગરના યોગેન્દ્ર શાહ અને દિલ્હીના અમન શર્મા દ્વારા પણ ફોટોગ્રાફી કરવામાં આવી હતી. તેઓએ સાસણના ડીએફઓ ડો. મોહનરામની મુલાકાત લઈ તેમની પાસેથી સાસણ ગીર જંગલની વિશેષતા, વન્યપ્રાણીઓનાં વૈવિધ્ય, ભૂપૃષ્ઠની વિગતો પણ મેળવી હતી અને વિઝિટર બુકમાં તેના ફીડબેક પણ આપ્યા હતા. અત્રે નોંધનીય છે કે, દિયા મિર્ઝા ભારતભરમાં પર્યાવરણને લગતી અનેક મહત્ત્વપૂર્ણ ઝુંબેશનો ચહેરો છે.

