અમદાવાદઃ ગેરકાયદે વિઝા રેકેટની તપાસ કરી રહેલ સીઆઇડી ક્રાઇમના આગળ વધે તે પહેલાં ફ્રાન્સમાં ભારતમાંથી થતી માનવ તસ્કરીનો મોટો મામલો સામે આવ્યો છે. ફ્રાન્સના વાટ્રી એરપોર્ટ પર પેટ્રોલ પુરાવવા માટે રોકાયેલી ખાનગી કંપનીની ફલાઇટમાં માનવ તસ્કરી થઈ રહ્યાની શંકાને પગલે ફ્રાન્સ ઓથોરિટીએ પ્લેનને રોકીને તપાસ હાથ ધરી હતી. ફ્રાન્સ ઓથોરિટીથી આવેલી માહિતી મુજબ પ્લેનમાં 303 પેસન્જરમાંથી 260 ભારતીયો અને તેમાં 96 ગુજરાતી હોવાની વિગતો ખૂલી છે.
યાત્રિકો પાસેથી નિકારાગુઆના ટૂરિસ્ટ વિઝા મળ્યા
સીઆઇડીના જણાવ્યા પ્રમાણે જે યાત્રિકો સાથે પૂછપરછ કરવામાં આવી છે, તેમણે પોતાની સાથેની છેતરપિંડીની કોઈ વાત કરી નથી અને કોઈના પણ વિરુદ્ધમાં બોલવા પણ તૈયાર નથી. તેમની પાસે નિકારાગુઆના ટૂરિસ્ટ વિઝા મળ્યા છે. યાત્રિકોનું કહેવું છે કે તેઓ ફરવા માટે જઈ રહ્યા હતા.
14 ડિસેમ્બરથી દુબઈ એકત્ર થતા હતા
ડિપોટ કરવામાં આવેલા ભારતીયો પૈકી ગુજરાતીઓ મહેસાણા, ગાંધીનગર, બનાસકાંઠા, આણંદ જિલ્લાથી વધારે છે. આ તમામ ગુજરાતી યાત્રિકો 14 ડિસેમ્બરથી દુબઈ પહોંચી રહ્યા હતા. આ તમામ એકસાથે નિકારાગુઆ જવા માટે પ્લેનમાં સવાર થયા હતા. સીઆઇડીના જણાવ્યા પ્રમાણે આ લોકો નિકારાગુઆથી અમેરિકામાં ઘૂસણખોરી કરવાના હતા.
પ્લેન દુબઈથી નિકારાગુઆ જતું હતું
ફ્રાન્સના વાટ્રી એરપોર્ટ પર ઝડપાયેલું ખાનગી કંપનીનું પ્લેન દુબઈથી નિકારાગુઆ જઈ રહ્યું હતું. પ્લેનમાં સવાર તમામ ભારતીયોનો એજન્ટની મદદથી નિકારાગુઆથી જમીનમાર્ગે મેક્સિકો પહોંચી ત્યાંથી અમેરિકાની સરહદમાં ઘૂસણખોરી કરાવવાનો પ્લાન હતો. જો કે ફ્યુઅલની જરૂર પડતાં પાઇલટે પ્લેન ફ્રાન્સના વાટ્રી એરપોર્ટ પર રોકતાં ઓથોરિટીને શંકા જતાં તપાસ કરી હતી. તપાસમાં મળેલી વિગત મુજબ ગેરકાયદે પેસેન્જર ભરીને જઈ રહેલું પ્લેન ઉત્તર અને દક્ષિણ અમેરિકાને જોડતી સાંકડી દરિયાઈ પટ્ટી પર વસેલા દેશ નિકારાગુઆ જઈ રહ્યું છે. એજન્ટોનું આયોજન નિકારાગુઆથી ગેરકાયદે પેસેન્જરોને મેક્સિકો બોર્ડર પર છોડવાનું હતું. જો કે ફ્રાન્સ એરપોર્ટ પર પ્લેન પકડાઈ જતાં દેશના અને ગુજરાતના કબૂતરબાજોમાં ફફડાટ ફેલાયો છે.
સીઆઇડી ક્રાઇમે આ અંગે જણાવ્યું છે કે, આ તમામ અમેરિકા નોકરી માટે જવાના હતા. અમેરિકામાં આ તમામને કેવી રીતે પ્રવેશ લેવાનો હતો, આ ગેરકાયદે કામમાં કોણ સાથ આપવાનું હતું તે જાણવાની તપાસ ચાલી રહી છે. યાત્રિકોને એ ડર પણ છે કે જો કોઈ જાણકારી સામે આવે છે તો તેમના દ્વારા એજન્ટને આપવામાં આવેલી રકમ પરત મળવાની આશા સમાપ્ત થઈ જશે. ગુજરાત સીઆઇડી ક્રાઇમે માનવ તસ્કરીની તપાસ માટે ચાર ટીમનું ગઠન કર્યું છે.
ગાંધીનગરના બે શખસ સામે ગુનો દાખલ
ફ્રાન્સ દ્વારા મળેલી આ માહિતીને પગલે દેશની એજન્સીઓ સાથે રાજ્યની એજન્સીઓ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં સીઆઇડી ક્રાઇમે ગાંધીનગરના એજન્ટ અંકિત પટેલ અને તેના મેનેજર વિશાલ શાહ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસે અંકિત અને વિશાલ વિરુદ્ધ વિદેશના વિઝા અપાવવા માટે ડુપ્લિકેટ માર્કશીટ બનાવવા મામલે ગુનો દાખલ કર્યો છે.
96 ગુજરાતી સાથે એજન્ટની ખરાઈ કરાશે
ફ્રાન્સમાં ઝડપાયેલી ખાનગી કંપનીની ફલાઇટમાંથી મળેલા 96 ગુજરાતીઓ સાથે સીઆઇડી ક્રાઇમે ઝડપેલા એજન્ટોના કનેક્શન અંગે તપાસ કરવામાં આવશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. સીઆઇડી ક્રાઇમની તપાસમાં ગાંધીનગરના સરગાસણ સ્થિત કેપિટલ આઇકોનમાં એમ્પાયર ઓવરસીઝ ઓફિસના માલિક અંકિત રાજીવ પટેલ અને મેનેજર વિશાલ શાહ વિદ્યાર્થીઓને વિદેશ મોકલવા માટે તેઓની ડુપ્લિકેટ માર્કશીટ બનાવતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
શું કાર્યવાહી કરાઈ?
પોલીસે એજન્ટોના ત્યાં તપાસ કરતાં એમ.એસ. યુનિવર્સિટીની ડુપ્લિકેટ માર્કશીટ પણ મળી આવી હતી. આ મામલે સીઆઇડી ક્રાઇમે ગુનો દાખલ કરી વિશાલ શાહની ધરપકડ કરી મુખ્ય સૂત્રધાર અંકિત પટેલની શોધખોળ હાથ ધરી હતી. અમદાવાદમાં સી.જી. રોડ પર ઓફિસ ધરાવતા જિગર શુકલની પોલીસે ડુપ્લિકેટ માર્કશીટ મામલે ગુનો નોંધી ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.

