યાત્રિકો હવે સબમરિનથી દરિયા નીચે મૂળ દ્વારકાનાં દર્શન કરી શકશે

Wednesday 03rd January 2024 05:50 EST
 
 

ગાંધીનગરઃ હજારો વર્ષ પહેલાં દરિયામાં ડૂબી ગયેલી ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકાનાં દર્શન હવે સરળ બની જશે. ગુજરાત સરકાર મૂળ દ્વારકાનાં દર્શન માટે હવે અરબી સમુદ્રમાં યાત્રી સબમરિન ચલાવવાની તૈયારીમાં છે. ભારત સરકારની કંપની મઝગાંવ ડોક શિપયાર્ડની સાથે ગુજરાત સરકારે એમઓયુ કર્યા છે. જાન્યુઆરીમાં યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં આની સત્તાવાર જાહેરાત કરાશે. સબમરિનનું સંચાલન મઝગાંવ ડોક કરશે. સંભવિત રીતે જન્માષ્ટમી અથવા તો દિવાળી સુધી એની શરૂઆત થઈ જશે.
કેન્દ્ર સરકાર દેશના ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવાસનને ઉત્તેજન આપવા માટે અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. કાશી વિશ્વનાથ, મહાકાલ લોક, અયોધ્યા, કેદારનાથ, સોમનાથ કોરિડોર અને દ્વારકા કોરિડોર આ પ્રોજેક્ટના હિસ્સા તરીકે છે. દ્વારકા કોરિડોર હેઠ‌ળ મૂળ દ્વારકા (બેટ દ્વારકા)નાં દર્શન માટે સબમરિન પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે. બેટ દ્વારકામાં જ અરબી સમુદ્રમાં દેશના પ્રથમ મોટા કેબલ બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સંભવિત રીતે એનું ઉદ્ઘાટન પણ જન્માષ્ટમીની આસપાસ જ થઈ શકે છે.
આ બ્રિજ દરિયામાં ડૂબેલી દ્વારકાની પરિક્રમા કરાવવાનો અનુભવ કરાવશે. સબમરિન માટે બેટ દ્વારકાની પાસે એક જેટીનું પણ નિર્માણ કરાશે, જ્યાંથી યાત્રી સબમરિનમાં બેસી શકશે. એક વખતમાં 24 યાત્રી અને છ ક્રૂ-મેમ્બર્સ તેમાં જઈ શકશે, જે બેથી અઢી કલાકની યાત્રા રહેશે. સરકારનાં સૂત્રો મુજબ એનું સંચાલન મોંઘું છે, જેથી એના માટે ટિકિટ પણ વધુ હોઈ શકે છે, પરંતુ આ બાબતનું પણ ધ્યાન રખાશે કે ટિકિટની કિંમત સામાન્ય લોકો ન ખરીદી શકે એટલી મોંઘી નહીં રહે. જો જરૂર પડશે તો ગુજરાત સરકાર એના માટે સબસિડી જેવી યોજના લાવી શકે છે.
યાત્રીઓને ઓક્સિજન માસ્ક, ફેસમાસ્ક અને સ્કૂબા ડ્રેસ સંચાલન કરનારી એજન્સી દ્વારા જ અપાશે, જેના તમામ ભાડાં ટિકિટમાં જ સામેલ કરાશે. આ સબમરિન 24 પ્રવાસી આરામથી બેસી શકે એ પ્રકારે ડિઝાઇન કરાઈ છે. જેમાં યાત્રીઓ ઉપરાંત પ્રોફેશનલ ક્રૂ-મેમ્બર્સ રહેશે, જેમાં 2 પાઇલટ, 2 ડાઇવર, 1 ગાઇડ અને 1 ટેકનિશિયન પણ સાથે રહેશે. સબમરિનનું વજન 35 ટન રહેશે, જે પાણીની અંદર સ્થિરતા અને સુરક્ષાની ખાતરી કરશે.
સબમરિનમાં એર કન્ડિશનિંગ, મેડિકલ કિટ જેવી સુવિધા પણ હશે. કુદરતી રોશનીની સુવિધા હશે. આ કારણે યાત્રીઓને પાણીની નીચેના વાતાવરણને પૂર્ણ સ્વરૂપ સાથે જોવાની તક મળશે. દૂરસંચાર વ્યવસ્થા અને વીડિયો કોન્ફરન્સિંગની સુવિધા રહેશે. સબમરિનમાં બેસીને પણ સામે સ્ક્રીન પર દરિયાઈ હલચલ, જીવોને જોઈ શકાશે.
આ સબમરિન દરિયામાં 300 ફૂટ નીચે સુધી જઈ શકશે. બે પંક્તિમાં બેઠક વ્યવસ્થા રહેશે, જેમાં દરેક સીટ પર વ્યૂ પોર્ટ રહેશે, જેના કારણે યાત્રી બંને તરફ દરિયાનાં ખૂબસૂરત દૃશ્યો અને કુદરતી ખૂબસૂરતીને માણી શકશે.
દ્વારકા કોરિડોર વિશ્વના નકશા પર લાવવા કવાયત
દેવભૂમિ દ્વારકા કોરિડોર હેઠળ બેટ દ્વારકા આઇલેન્ડને દુનિયાના નકશા પર લાવવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મળીને અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. સૌથી મોટું આકર્ષણ સિગ્નેચર બ્રિજ છે. રૂ. 900 કરોડના ખર્ચે બની રહેલા 2320 મીટર લાંબા આ ફોર લેન બ્રિજને ભારતના સૌથી મોટા કેબલ બ્રિજ તરીકે ગણવામાં આવે છે.
આ બ્રિજ 90 ટકા તૈયાર છે. આની સાથે જ 12 જ્યોતિર્લિંગમાં સામેલ નાગેશ્વર મંદિર, હનુમાનજી અને તેમના પુત્રના દેશના એકમાત્ર મંદિર મકરધ્વજ મંદિરના વિકાસની કામગીરી આ પ્રોજેક્ટ હેઠળ હાથ ધરાઈ છે. આ તમામની સાથે હવે સબમરિનથી દ્વારકા દર્શનનું વધુ એક મોરપિંચ્છ ઉમેરાયું છે.


comments powered by Disqus