નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી માટે ઇન્ડિયા બ્લોકમાં બેઠકોની વહેંચણીથી પહેલાં કોંગ્રેસની નેશનલ એલાયન્સ કમિટીએ શુક્રવાર અને શનિવારના દિવસે મેરેથોન બેઠક યોજી હતી. બે દિવસીય બેઠકમાં પાર્ટીએ 10 રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ અને વિધાનસભા પક્ષના નેતાઓને સ્પષ્ટ રીતે કહી દીધું હતું કે પાર્ટી 291 સીટો પર એકલા હાથે ચૂંટણી લડશે. જ્યારે ગઠબંધનવાળાં 9 રાજ્યોની 85 સીટો ઈન્ડિયા બ્લોક પાસેથી માંગ કરશે.
મમતાનું બંગાળમાં એકલા લડવાનું એલાન
લોકસભા ચૂંટણી પહેલાં ટીએમસીનાં પ્રમુખ અને પ. બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિપક્ષી દળોના ઇન્ડિયા ગઠબંધનને મોટો ઝટકો આપ્યો છે. મમતા બેનર્જીએ એલાન કર્યું છે કે, 2024માં ટીએમસી બંગાળમાં કોઈપણ પાર્ટી સાથે ચૂંટણીને લઈને કોઈપણ કરાર નહીં કરે.
મમતા બેનર્જીએ કહ્યું કે, ઇન્ડિયા ગઠબંધન સમગ્ર દેશમાં ભાજપની સામે સાથે મળીને ચૂંટણી લડશે પણ બંગાળમાં ટીએમસી એકલાહાથે ભાજપની સામે લડશે. તે કોંગ્રેસ અને લેફ્ટ પાર્ટીઓ સાથે ગઠબંધન નહીં કરે.
શિવસેનાએ પણ હાથ ઊંચા કર્યા
બીજી તરફ શિવસેના-ઉદ્ધવ ઠાકરે જૂથે મહારાષ્ટ્રમાં સીટની વહેંચણીને લઈને પહેલી ચાલ ચાલી છે. શિવસેના નેતા સંજય રાઉતે કોંગ્રેસને જણાવ્યું કે, તેઓ મહારાષ્ટ્રની 23 લોકસભા સીટ પર ચૂંટણી લડશે. આવી જ કંઈક સ્થિતિ પંજાબ અને દિલ્હીમાં બની રહી છે, જ્યાં આપ કોંગ્રેસ સાથે સીટ શેર કરવા તૈયાર નથી. ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ કોંગ્રેસ સાથે વિધાનસભામાં સપાની સાથે કરાયેલા વ્યવહારનો બદલો વાળવા તૈયાર બેઠા છે.
મમતા બેનર્જીએ એલાન કર્યું કે, ભાજપની સામે ઇન્ડિયા ગઠબંધન સમગ્ર દેશમાં ચૂંટણી લડશે, પરંતુ પ.બંગાળમાં ટીએમસી કોંગ્રેસ કે લેફ્ટ પાર્ટીઓ સાથે ગઠબંધન નહીં કરે.

