વન નેશન-વન ઈલેક્શન 2029થી લાગુ કરવા 2026માં 25 રાજ્યમાં ચૂંટણી થશે

Wednesday 03rd January 2024 06:11 EST
 
 

નવી દિલ્હીઃ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના વડપણ હેઠળની સમિતિએ વન નેશન-વન ઇલેક્શન લાગુ કરવા માટેની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી દીધી છે. જો તમામ પક્ષો કાયદાપંચના આ પ્રસ્તાવ સાથે સહમત થશે તો તે 2029થી અમલમાં આવશે.
જો કે આ માટે ડિસેમ્બર 2026 સુધીમાં 25 રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજવી પડશે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, છત્તીસગઢ અને મિઝોરમ આમાં સામેલ નથી, કારણ કે આ રાજ્યોનાં ચૂંટણી પરિણામો આ મહિને આવી ગયાં છે. તેથી તેમની વિધાનસભાનો કાર્યકાળ જૂન 2029 સુધી 6 મહિના લંબાવવામાં આવશે. કેટલાક રાજ્યમાં કાર્યકાળ ઘટી જશે.
સરકાર ગબડી પડવાની સ્થિતિમાં 4 વિકલ્પ
સરકાર ગબડી પડવાની સ્થિતિમાં ચાર વિકલ્પ રહેશે. જે અંતર્ગત વિકલ્પ 1 અંતર્ગત રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલ વિધાનસભાની બાકીની મુદત માટે સર્વસંમતિથી સરકાર રચવાના માર્ગો શોધી કાઢશે. વિકલ્પ 2માં બાકીની મુદત માટે તમામ પક્ષોને સામેલ કરીને વચગાળાની સરકારની રચના કરાશે. તમામ પક્ષોનો હિસ્સો ધારાસભ્યોની સંખ્યા પર આધારિત હશે. પ્રધાનમંત્રી અથવા મુખ્યમંત્રી આ સરકારના સભ્યોની પસંદગી કરશે. વિકલ્પ 3માં કલમ 74-1 હેઠળ રખેવાળ સરકારની રચના કરાશે. આ પ્રકારની સરકાર 6 મહિના સુધી ચાલી શકે છે. તો વિકલ્પ 4 હેઠળ જો સરકાર પડી જાય અથવા ગૃહ વિસર્જન થાય તો ચૂંટણી યોજાશે, પરંતુ આ ચૂંટણી માત્ર બાકીની મુદત માટે જ યોજાશે.


comments powered by Disqus