બોટાદઃ શ્રીમદ રામચંદ્ર આશ્રમ, ધરમપુરમાં આધુનિક સ્થાપત્યકલાની ઉત્કૃષ્ટ કૃતિસમાન એક સત્સંગ અને ધ્યાનસંકુલ ‘રાજ સભાગૃહ’નું શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક ગુરુદેવ રાકેશજી અને બીએપીએસ સંસ્થાના મહંતસ્વામી મહારાજના પાવન હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગ માત્ર એક ધાર્મિક સંવાદિતાનું ઉદાહરણ જ નહીં પણ બે સંસ્થા અને વર્તમાન સમયના બે પ્રબુદ્ધ સંતો વચ્ચેના પ્રેમભર્યા ગાઢ સંબંધોને ઉજાગર કરી રહ્યો હતો. શ્રીમદ રાજચંદ્ર મિશન-ધરમપુરનું પ્રેમભર્યું આમંત્રણ સ્વીકારીને 91 વર્ષની ઉંમરે પણ ખાસ સમય કાઢીને મહંતસ્વામી મહારાજ આ લોકાર્પણ પ્રસંગે આવ્યા હતા.
મહંતસ્વામી મહારાજ રાજસભાગૃહનું લોકાર્પણ કરવા શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરમાં પૂ. શ્રી બ્રહ્મવિહારી સ્વામી અને અન્ય સંતો સાથે આવ્યા હતા. તેઓએ અહીં સ્થાપિત શ્રીમદ રાજચંદ્રજીની 34 ફૂટ ઊંચી પ્રતિમાજીનાં દર્શન અને પ્રક્ષાલ પૂજા કરી હતી. જિનમંદિરમાં તેઓ દર્શન-પૂજા અર્થે આવ્યા હતા. રાજસભાગૃહના લોકાર્પણ પ્રસંગે હજારો ભક્તોની પ્રત્યક્ષ, ઓનલાઇન નિહાળતા લાખો ભક્તોની ઉપસ્થિતિમાં ગુરુદેવ રાકેશજી અને મહંત સ્વામી મહારાજે ‘રાજસભાગૃહ’ની તક્તીનું અનાવરણ કરી આ જાજરમાન સંકુલનું ઉદ્ઘાટન કર્યું હતું. મહંતસ્વામી મહારાજે આશિષ આપતાં કહ્યું કે, શ્રીમદ્ રાજચંદ્રજી ખૂબ મહાન પુરુષ હતા. તેમનું કાર્ય ગુરુદેવ રાકેશજીએ ખૂબ સુંદર રીતે આગળ વધાર્યું છે.

