લંડનઃ સરદાર વલ્લભભાઈ પટેલની 73મી પૂણ્યતિથિએગુજરાત સમાચાર અને એશિયન વોઈસ દ્વારા 15 ડિસેમ્બર, 2023ના દિવસે સંગત સેન્ટર હેરો ખાતે પ્રાર્થનાસભા - ‘આધુનિક, સંગઠિત ભારતના ઘડવૈયાનું સ્મરણ’નું આયોજન કરવામાં આવ્યું હતું. યુકેના વિવિધ સંસ્થા-સંગઠનોના પ્રતિનિધિઓ અને મહાનુભાવોએ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
જાણીતા ગાયક મહેશભાઈ ગઢવીએ ‘હે રામ, હે રામ, હે રામ, જગ મેં સાચો તેરો નામ હે રામ, હે રામ, તુ હી માતા તુ હી પિતા’ ભજનથી આરંભ કર્યો હતો. આ પછી સરદાર તેમના અંતિમ દિવસોમાં જે ભજન ગણગણ્યા કરતા હતા તે ‘મારી નાડ તમારે હાથ હરિ સંભાળજો રે...’ની રજૂઆત કરી હતી. મહેશભાઈએ રાષ્ટ્રપ્રેમને સર્વોત્કૃષ્ટ સ્તરે લઈ જતા ‘છોડો કલ કી બાતેં, કલ કી બાત પુરાની, નયે દોર મેં લિખેંગે મિલકર નયી કહાની, હમ હિન્દુસ્તાની...’ અને ‘એ વતન એ વતન હમ કો તેરી કસમ..’ ની રજૂઆત કરી હતી અને ઓડિયન્સ પણ તેમની સાથે ગાવા લાગ્યું હતું.
ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક અને એડિટર-ઈન-ચીફ સીબી પટેલે જણાવ્યું હતું કે,‘સરદારને યાદ કરાવા જ જોઈએ. એક વ્યક્તિ શું કરી શકે તે તેમનું જીવન દર્શાવે છે. આપણે બધા ભારત અને યુકેને બહેતર બનાવી શકીએ છીએ. સર્વશ્રેષ્ઠ તો હજું આવવાનું બાકી છે.’ તેમણે કહ્યું હતું કે,‘પ્રસિદ્ધ ગુજરાતી લેખક, વિચારક, કવિ અને અભ્યાસુ ગુણવંત શાહે સરદાર પટેલ વિશે લખ્યું હતું કે 1950માં સરદારનું સ્વાસ્થ્ય કથળી રહ્યું હતું ત્યારે સરદાર ‘મારી નાડ તમારે હાથ...’ સાંભળવાનું પસંદ કરતા હતા. જ્યારે સરદારને મુંબઈ લાવવામાં આવ્યા ત્યારે તેમની પાસે કોઈ પ્રોપર્ટી, મકાન કે બેન્ક બેલેન્સ ન હતા. તેમને 500 રૂપિયામાં એક મકાનની ઓફર થઈ હતી પરંતુ, તેઓ તે ખરીદી શકે તેમ ન હતા. વીપી મેનન અને શંકરન તેમની પાસે જ હતા. ગુણવંત શાહ લખે છે કે સરદાર આ જ ભજન ગણગણ્યા કરતા હતા, આથી જ મેં મહેશભાઈ ગઢવીને પ્રાર્થનાસભામાં આ ભજન ગાવા વિનંતી કરી હતી.’
હેરોના મેયર કાઉન્સિલર રામજી ચૌહાણે જણાવ્યું હતું કે, સરદારની કલ્પના, દૃઢ વિશ્વાસ અને જીવન આપણને તમામ તર્ક-વિચારોથી પર રહી દેશની એકતા માટે કાર્ય કરતા રહેવાની પ્રેરણા આપે છે.’ ધ ભવનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. એમ.એન નંદકુમારા MBEએ વિશ્વશાંતિ માટે પ્રાર્થના કરી હતી.
નેશનલ એસોસિયેશન ઓફ પાટીદાર સમાજ યુકેના પ્રેસિડેન્ટ પ્રવીણભાઈ અમીને જણાવ્યું હતું કે, ‘રાજમુત્સદ્દી તરીકે સરદાર પટેલની યાત્રા તેમની અસાધારણ રાજકીય કુનેહ, તીવ્ર રાષ્ટ્ર ભક્તિ, વ્યવહારી શાણપણ અને અભૂતપૂર્વ વહીવટી સક્ષમતાથી ભરપૂર છે. સરદારની સંગઠનશક્તિની પ્રતિભા મહાત્મા ગાંધીની નેતાગીરી હેઠળ અહિંસક અસહકારની ચળવળ દરમિયાન સુપેરે પ્રદર્શિત થઈ હતી જ્યાં તેમણે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરમાં નીતિ પરિવર્તનો સરદાર પટેલની મૂળ કલ્પનાદૃષ્ટિની સફળ પરિપૂર્ણતા દર્શાવે છે, જે કાશ્મીરને ભારતમાં એકીકૃત કરવામાં જવાહરલાલ નેહરુની અનિચ્છાના કારણે ફંટાઈ ગઈ હતી.’
ભાદરણ બંધુ સમાજના જનરલ સેક્રેટરી નિરુપા બેન પટેલે જણાવ્યું હતું કે, ‘સરદાર પટેલ ગરીબ ખેડૂતના પરિવારમાંથી આવતા હતા પરંતુ, તેમની પાસે લોખંડી નિર્ણયાત્મકતા અને તીવ્ર બુદ્ધિપ્રતિભા હતી. આઝાદી પછી 500થી વધુ રજવાડાંને ભારત સંઘમાં એકીકૃત કરવામાં અભૂતપૂર્વ યોગદાન માટે તેમને શ્રેષ્ઠપણે યાદ કરવામાં આવે છે. દેશનો વહીવટ સુગઠિત અને સક્ષમ રીતે ચલાવાય તેની ચોકસાઈ માટે IAS અને IPS જેવી ઓલ ઈન્ડિયા સર્વિસિસની રચના કરવાનો યશ સરદારને જાય છે. સરદાર પટેલ લોખંડી ઈચ્છાશક્તિ અને પોલાદી નિર્ધારના માનવી હતા. તેઓ નિર્ભય, પ્રામાણિક અને રાષ્ટ્રભક્ત હતા.
તેમની પાસે સંગઠિત અને મજબૂત ભારતની કલ્પના હતી. આપણા સમાજમાં એકતા, વૈવિધ્યતા અને સંવાદિતાના મૂલ્યો જાળવી રાખવા ઈચ્છુક આપણા બધા માટે તેઓ એક આદર્શ છે. તેઓ આપણા બધા માટે હીરો છે જેઓ સમૃદ્ધ, શક્તિશાળી અને શાંતિમય ભારતનું સ્વપ્ન સેવે છે.’
બ્રેન્ટના પૂર્વ મેયર હર્ષદભાઈ પટેલે જણાવ્યું હતું કે,‘સરદાર થોડાં શબ્દોના સ્વામી હતા. તેમણે પૂરવાર કર્યું હતું કે કોઈ પણ સૂત્ર કે બૂમબરાડા નહિ પરંતુ, માત્ર તમારું કાર્ય જ બોલી ઉઠશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સરદાર પટેલનું યોગદાન નોંધપાત્ર અને બેમિસાલ રહ્યું હતું. તેઓ માત્ર આઝાદીની ચળવળમાં જ નહિ પરંતુ, વર્તમાન કાળમાં પણ દેશના યુવાનો માટે મહાન પ્રેરણાસ્રોત રહ્યા છે. એકીકરણની તેમની વિચારધારાએ એકતાની આધારશિલા રાખી હતી. સરદાર પટેલ ભારતના ચોકીદાર, સંયોજક અને પોલીસમેન હતા. તેઓ કોંગ્રેસ પાર્ટીના નીતિ ઘડવૈયા હતા. તેઓ બારડોલી સત્યાગ્રહ ચળવળના નેતા હતા. તેઓ ક્વિટ ઈન્ડિયા આંદોલનના આયોજક હતા.
તેઓ મહાત્મા ગાંધીના અડીખમ અનુયાયી હતા. વિભાજન પછી દેશના 536 રજવાડાનું એકીકરણ સૌથી મુશ્કેલ કાર્ય હતું. નેહરૂ અને લોર્ડ માઉન્ટબેટને સરદાર પટેલની ક્ષમતા નિહાળી હતી અને આથી જ તેમને ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર બનાવાયા હતા.’
ઈલિંગના મેયર કાઉન્સિલર હિતેશ ટેઈલરે જણાવ્યું હતું કે, ‘સરદાર પટેલને ભારતના અતિ મજબૂત અને ગતિશીલ સ્વાતંત્ર્યવીર તરીકે યાદ કરવામાં આવે છે.
હેરો ઈસ્ટ માટે લેબર પાર્ટીના આગામી પાર્લામેન્ટરી ઉમેદવાર પ્રિમેશ પટેલે જણાવ્યું હતું કે,‘આપણે કોઈ પણ જાત, પાત અથવા વર્ણના હોઈએ, એકસંપ થઈને રહેવાનું આપણે સરદાર પટેલ પાસેથી શીખ્યા છીએ, બધા એકસંપ થઈને રહીએ અને આપણી સંસ્કૃતિ અને ભાવનાને જીવંત રાખીએ.
હેરો વેસ્ટ માટે કન્ઝર્વેટિવ પાર્ટીના પાર્લામેન્ટરી ઉમેદવાર અબ્બાસ મેરાલીએ કહ્યું હતું કે, વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વમાં આટલી બધી તંગદીલી છે ત્યારે આપણને જોડી રાખનારી બાબત આપણું વિભાજન કરે તેનાથી અનેકગણી વ્યાપક છે.’
સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી યુકેના જનરલ સેક્રેટરી કૃષ્ણાબહેન પૂજારાએ જણાવ્યું હતું કે,‘સરદાર પટેલે તેમનું સમગ્ર જીવન દેશની એકતા અને અખંડિતાને સમર્પિત કરી દીધું હતું. તેમનો નિઃસ્વાર્થ રાષ્ટ્રપ્રેમ અને નિર્ણાત્મકતા આપણા બધા માટે પ્રેરણાદાયી છે.’
નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ યુકેના પ્રેસિડેન્ટ વિમલજી ઓડેદરાએ કહ્યું હતું કે,‘ સરદાર પટેલે ભારત માટે સ્વાતંત્ર્ય હાંસલ કરવામાં તેમજ દેશના સંઘીકરણ અને એકીકરણના ઉદ્દેશમાં વિજય મેળવી ચમત્કાર સર્જ્યો હતો.’
ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપી યુકેના પ્રેસિડેન્ટ કુલદીપ શેખાવતે જણાવ્યું હતું કે,‘આપણી એકતા એ જ સરદારને શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ બની રહેશે. સરદાર પટેલની લોખંડી ઈચ્છાશક્તિ સાથેની નેતાગીરી, સમર્પણ અને રાષ્ટ્રપ્રેમ આપણને માર્ગદર્શન આપતા રહેશે.’
લંડનના મેયરપદ માટે સ્વતંત્ર ઉમેદવાર તરૂણ ગુલાટીએ જણાવ્યું હતું કે,‘ દેશ તેમના મહાન યોગદાન, નિર્ણાયક નેતૃત્વ અને માતૃભૂમિ પ્રત્યે અનન્ય કટિબદ્ધતાને કદી ભૂલી શકશે નહિ.’
સ્વાગત પ્રવચનમાં સંગત સેન્ટરના સીઈઓ કાન્તિભાઈ નાગડા MBEએ કહ્યું હતું કે,‘ આપ સહુને સંગત સેન્ટરમાં આવકારતા મને ઘણો આનંદ થાય છે. સીબીએ મને કહ્યું કે સરદાર પટેલના નિર્વાણદિને કોઈ શ્રદ્ધાંજલિનું આયોજન કરી રહ્યું નથી, આપણે તો કરવું જોઈએ. આથી અમે સંગત સેન્ટરમાં પ્રાર્થનાસભાનું આયોજન કરવા વિચાર્યું છે. ભારતને સંગઠિત કરનારા મહાન માનવીને આપણે યાદ કરવા જ જોઈએ. નવી આઝાદી પ્રાપ્ત કરનારા ભારતને એકજૂટ કરવાનું કાર્ય અતિ મુશ્કેલ હતું પરંતુ, સરદારે તે કરી બતાવ્યું.’
આ ઈવેન્ટનું સંચાલન એશિયન બિઝનેસ પબ્લિકેશન્સ લિમિટેડના ગ્રૂપ એડિટર મહેશ લિલોરિયાએ કર્યું હતું. આભાર વ્યક્ત કરવા સાથે સીબી પટેલે ભાનુભાઈ પંડ્યાનું વિશેષ સન્માન કરી યુકેમાં ઘણી કોમ્યુનિટી અને સામાજિક સંસ્થાઓ અને સંગઠનોના વિકાસમાં તેમની નિઃસ્વાર્થ સેવાને યાદ કરી હતી. મહાવીર ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ નિરજ સુતરીઆ, ડો. વિનોદ કપાસી અને કમિટીના સભ્યોએ કોમ્યુનિટીની સેવા બદલ સીબી પટેલ અને કાન્તિભાઈ નાગડાનું સન્માન કર્યું હતું.
(Photo Courtesy: Raj Bakrania - PR MEDIAPIX)
ભાજપની વિચારધારાને વેગ આપવામાં ભાદરણના વતની મયંકભાઈ પટેલના અથાગ પ્રયાસો
સરદાર પટેલ પ્રાર્થના સભામાં અતિથિ વિશેષ તરીકે મયંકભાઈ જશભાઈ પટેલ હાજર હતા. તેમણે દેશ અને વિદેશમાં ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને વેગ આપવા અને પાર્ટીનો વ્યાપ વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. ભાદરણના વતની મયંકભાઈ પટેલે વર્ષ 1988માં જ્યારે ભારતીય જનતા પાર્ટી દેશમાં સંઘર્ષ કરી રહી હતી ત્યારે વૃહદ ખેડા જીલ્લો એટલે કોંગ્રેસનો ગઢ મનાતી ભાદરણ 139 વિધાનસભામાં પાર્ટીનો પાયો મજબૂત કરવામાં જેમણે યોગદાન આપેલ, તેમાંના એક છે. 1995માં નરેન્દ્રભાઈ મોદી સાથે ભાદરણ વિધાનસભા 139માં પ્રવાસ કરેલો. જિલ્લા સ્તરે ખજાનચી, તાલુકા સ્તરે સેક્રેટેરીથી લઈ પ્રદેશ કારોબારીમાં પ્રશંસનીય કામ કરેલ છે. સાહિબ સિંહ વર્માના પર્સનલ સિક્યુરિટી યુનિટમાં તેઓ રહેલા છે.

