રાજકોટઃ મોરબીમાં નકલી ટોલનાકાના કેસમાં પુત્ર આરોપી બનતાં ચર્ચામાં આવેલા સિદસર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલ તેમના પદેથી રાજીનામું આપી દેશે. આધારભૂત સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર અમરશી પટેલનું નામ નકલી ટોલનાકા કેસમાં ઊછળવાના ઘટનાક્રમ વચ્ચે તેમના પિતા જયરામ પટેલ પાસેથી 6 જાન્યુઆરીના રોજ રાજીનામું લઈ લેવાશે.
જયરામ પટેલના પુત્ર અમરશી પર વાંકાનેર-મોરબી હાઇવે પર નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ટોલનાકાની બાજુમાં જ ટોલનાકું ઊભું કરી કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાના આરોપ લાગ્યા છે. આ કેસમાં અન્ય 4 આરોપીનાં નામ પણ છે. જે ફેક્ટરીમાં નકલી ટોલનાકું બનાવવામાં આવ્યું હતું એ જગ્યા અમરશી પટેલે ભાડા કરાર પર આપી હતી.
આ કેસના તમામ આરોપીઓ હજુ ફરાર જ છે. આ મુદ્દે વિરોધનો સૂર ઊઠ્યો હતો. સમાજના અમુક આગેવાનોએ જયરામ પટેલ પાસે રાજીનામું માગ્યું હતું.

