સુરતઃ કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથસિંહની ઉપસ્થિતિમાં સુરતના મારુતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા સરથાણા સ્થિત હરેક્રિષ્ના કેમ્પસ ખાતે આયોજિત શહીદોને સલામ સન્માન સમારોહમાં 131 શહીદ પરિવારોને રૂ. 3.27 કરોડની શૌર્ય રાશિના ચેક અર્પણ કરાયા હતા. મારુતિ વીર જવાન ટ્રસ્ટની રાષ્ટ્રભાવનાને બિરદાવતાં સંરક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, હીરાનગરી સુરતમાં સેવા, સંસ્કાર અને વ્યવહારની જ્યોત પ્રગટાવનારા માણસના રૂપમાં શ્રેષ્ઠ હીરાઓ વસે છે. માણસાઈ ધરાવતા હીરા ઉદ્યોગકારોએ સ્વ. શહીદોના પરિજનોની ખેવના કરી છે, જે મારુતિ વીર જવાન ટ્રસ્ટ રૂપે ઉત્તમ સેવાસંસ્થામાં પરિણમી છે. ટ્રસ્ટના પ્રમુખ લવજીભાઈ બાદશાહે જણાવ્યું હતું કે, કરોડો દેશવાસીઓની રક્ષા કરવા માટે પ્રાણોની આહુતિ આપનારા શહીદોના પરિવારોને મદદ કરીએ એટલી ઓછી છે. આજસુધીમાં 320 શહીદ પરિવારોને રૂ. 11 કરોડ જેટલી સહાય કરાઈ છે, જ્યારે પાંચમા સમારોહમાં 131 શહીદ પરિવારોને રૂ. 3.27 કરોડની શૌર્ય રાશિ અર્પણ કરાઈ છે.

