સૂર્યમંદિરથી પણ પ્રાચીન ઊંઝાના સુણોક નીલકંઠનો પ્રસાદ યોજના અંતર્ગત વિકાસ કરાશે

Wednesday 03rd January 2024 05:26 EST
 
 

મહેસાણાઃ કેન્દ્રીય પર્યટન મંત્રાલય દ્વારા ગુજરાતના દ્વારકા, સોમનાથ અને અંબાજી બાદ મોઢેરાના સૂર્યમંદિરથી પણ પ્રાચીન મહેસાણાના સુણોક ગામે આવેલા નીલકંઠ મહાદેવ મંદિરની પ્રસાદ યોજના હેઠળ કાયાપલટ કરાશે.
તીર્થસ્થાન કાયાકલ્પ અને આધ્યાત્મિક હેરિટેજને ઉત્તેજન આપવા શરૂ કરાયેલી પ્રસાદ યોજનામાં દેશભરનાં 17 રાજ્યોનાં કુલ 26 નવાં તીર્થસ્થાનો પસંદ કરાયાં છે. જેમાં ગુજરાતમાંથી એકમાત્ર સુણોક મંદિરનો સમાવેશ થાય છે. એશિયાખંડનું સૌથી મોટું માર્કેટયાર્ડ જ્યાં આવેલું છે, તે ઊંઝાથી 8 કિલોમીટરના અંતરે આવેલું નીલકંઠ મહાદેવ મંદિરનું સ્થાપત્ય 10મી સદીનું અથવા તો મોઢેરા સૂર્યમંદિરથી લગભગ 100 વર્ષ પ્રાચીન હોવાનું મનાય છે.
આ મંદિર ગુજરાતના એવાં હિન્દુ મંદિરો પૈકી એક છે, જ્યાં મૂળ મંદિરના ઘણા ભાગો શોધીને એકઠા કરાયા છે. રાજ્યસભામાં રજૂ કરાયેલી માહિતી મુજબ તામિલનાડુનાં 8, મહારાષ્ટ્ર અને બિહારનાં 3-3, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટકનાં 2-2 તેમજ પુડ્ડુચેરી, મિઝોરમ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, ઓડિશા, ગુજરાત, ઉત્તરપ્રદેશ, પંજાબ, હિમાચલ પ્રદેશ અને છત્તીસગઢનાં 1-1 તીર્થસ્થાનનો વિકાસ કરાશે. દેશમાં રૂ. 1629.17 કરોડના ખર્ચે 46 પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.


comments powered by Disqus