કલબ ૨૦૦૦ના હેમુભાઇનાં દિકરી પાયલની અણધારી ચિરવિદાય

Wednesday 04th December 2024 04:49 EST
 
 

રેનર્સલેન વિસ્તારમાં રેનર્સ લેન ઉપર આવેલી કલબ 2000 રેસ્ટોરન્ટના માલિક હેમુભાઇ તથા સંધ્યાબેન પટેલનાં 43 વર્ષીય દિકરી પાયલ પટેલની અણધારી ચિરવિદાયથી રેનર્સલેન-હેરો સહિત સમગ્ર ભારતીય સમાજમાં ઉંડા શોકની લાગણી પ્રસરી ગઇ છે. 2000માં હેમુભાઇ ચુનીભાઇ પટેલે શરૂ કરેલી કલબ 2000નું સમગ્ર સંચાલન એમની આ કુશળ દિકરી પાયલ કરતી હતી. કેન્સરનું નિદાન થતાં ગણતરીના દિવસોમાં જ આ ફાની દુનિયાને અલવિદા કરી જનાર પાયલની શોકસભાનું આયોજન બીજી ડિસેમ્બર, સોમવારે સાંજે વેમ્બલીના સત્તાવીશ પાટીદાર સેન્ટરમાં કરવામાં આવ્યું હતું. જેમાં 850થી 900 જેટલા ગુજરાતીઓ, ભારતીયો, એશિયનોએ હાજરી આપી પાયલને અશ્રુભીની આંખે અંજલિ આપી હતી. સત્તાવીશ પાટીદાર સેન્ટરના મુખ્ય હોલમાં સૌ પ્રથમ ભક્તિગીતો રજૂ થયાં હતાં ત્યારબાદ પાયલના ભાઇ-બહેન અને કઝીન્સે સ્પેશીયલ મ્યુઝીક બેન્ડ રાખી હ્દયસ્પર્શી ગીતો "ઉંગલી પકડ કે તૂને, ચલના સિખાયા થા તૂને, દહલીઝ ઉંચી હૈ પાર કરા દો બાબા, મૈ તેરી મલ્લિકા- ટૂકડા હૂં તેરે દિલકા"; દુનિયા સે જાનેવાલે જાને કહાં ચલે જાતે હૈ"; "ચિઠ્ઠી ના કોઇ સંદેશ, જાને વો કૌનસા દેશ જહાં તૂમ ચલે ગયે" રજૂ થયાં ત્યારે સૌની આંખ અશ્રુભીની બની ગઇ હતી. પાયલના અત્યંત મૃદુ, મિલનસાર સ્વભાવ અને સૌની સાથે ખૂબ સહ્દયતા, ઉદારતા રાખતી હોવાથી દિકરીના આત્માની તૃપ્તિ માટે હેમુભાઇ, સંધ્યાબેન અને પરિવારજનોએ શોકસભા પછી સૌને કલબ 2000 રેસ્ટોરન્ટ તરફથી ગરમાગરમ બટેટાવડાં, મેથીના ગોટા, સમોસા, ફ્રેશ પેશન ફ્રૂટ જયુશ, રસમલાઇની પ્રસાદી પીરસી હતી. ગુરૂવારે ૫, ડિસેમ્બરે બપોરે ચિલ્ટ્રન્સ ક્રિમેટોરીયમ, આમર્શામ ખાતે સદગતના અંતિમ સંસ્કાર કરાયા હતા. પ્રભુ સદગત આત્માને ચિરશાંતિ આપે એવી પ્રાર્થના.


comments powered by Disqus