ખ્યાતિ હોસ્પિટલનો માલિક કાર્તિક પટેલ ન્યૂઝીલેન્ડથી કતાર પલાયન

Wednesday 04th December 2024 05:10 EST
 
 

અમદાવાદઃ ખ્યાતિ મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલનો માલિક કાર્તિક પટેલ ધરપકડથી બચવા ભાગી રહ્યો છે. પહેલાં ઓસ્ટ્રેલિયા વેકેશન માણવા ગયા પછી તે ત્યાંથી ન્યૂઝીલેન્ડ જતો રહ્યો હતો અને કાર્તિક પટેલ હવે સાઉદી અરેબિયાના કતારમાં છુપાયો હોવાનું જાણવા મળ્યું છે. ખ્યાતિકાંડમાં ક્રાઇમબ્રાન્ચે તપાસ કરતાં હોસ્પિટલના 4 પૂર્વ ડોક્ટરનાં નિવેદન લેવડાવી સાક્ષી બનાવ્યા છે. આ કેસમાં ક્રાઇમબ્રાન્ચ ટૂંકમાં વધુ ધરપકડ કરે તેવી શક્યતા છે.
ચિરાગ ડોક્ટરોને મોંઘી ભેટ આપતો
ખ્યાતિ હોસ્પિટલનાની ચંડાલ ચોકડીએ કરોડો રૂપિયા કમાવા જરૂર ન હોવા છતાં દર્દીઓના હાર્ટ ઓપરેશન કરીને PMJAYથી રૂ. 25 કરોડથી વધુ મેળવ્યા હતા. PMJAY યોજનાના ડોક્ટરો સાથે આરોપી કાર્તિક પટેલ સંપર્ક કરાવતો હતો. સંપર્ક બાદ ડો.ચિરાગ રાજપૂત ડોક્ટરોને સાચવવા માટે મોંઘી ગિફ્ટ અને દારૂ આપતો હતો.
ડો. વજીરાણીનું તબીબી લાઈસન્સ રદ
ખોટી રીતે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરનાર ખ્યાતિના ડો. પ્રશાંત વજીરાણીનું તબીબ તરીકેનું લાઇસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાયું છે, જેથી હવે ડો. વજીરાણી 3 વર્ષ પ્રેક્ટિસ કરી શકશે નહીં.
150 ગામોમાં ફ્રી કેમ્પ કર્યા
શહેર અને ગામડાના નિર્દોષ અને ગરીબ દર્દીઓને કોઈપણ પ્રકારની બીમારી ન હોવા છતાં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી લોકોને મોતને ઘાટ ઉતારનારી ખ્યાતિ હોસ્પિટલે અમદાવાદ અને આસપાસની હોસ્પિટલોના 450 તબીબોનો સંપર્ક કરી તેમને કમિશન આપી દર્દીઓ મેળવ્યા હતા.દર્દીઓ મેળવવા ખ્યાતિએ 150થી વધુ ગામમાં ફ્રી મેડિકલ કેમ્પ કર્યા હતા.
ચિરાગ રાજપૂત સહિત 5 ઝડપાયા
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં અંતે અમદાવાદ ક્રાઇમબ્રાન્ચને કૌભાંડના માસ્ટર માઇન્ડ ચિરાગ રાજપૂત, સીઈઓ રાહુલ જૈન, માર્કેટિંગ મેનેજર મિલિન્દ પટેલ, પ્રતીક ભટ્ટ અને પંકિલ પટેલને ઉદેપુર અને ખેડાથી ઝડપી લેવામાં સફળતા મળી છે. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે એન્જિયોપ્લાસ્ટીના બે દર્દીનાં મરણ બાદ આરોગ્ય વિભાગે નિષ્ણાતોની કમિટી તૈયાર કરતાં ચિરાગ રાજપૂત અને તેના સાગરીતો પર ગુનો નોંધાશે તેવી ખાતરી થતાં તમામ 11 નવેમ્બરથી ફરાર થઇ ગયા હતા.
અમદાવાદના એસ.જી. હાઇવે પર પકવાન ચાર રસ્તા પાસે આવેલી ખ્યાતિ હોસ્પિટલ કેસની તપાસની શરૂઆતમાં જ ડો. પ્રશાંત વજીરાણી હાથ લાગ્યો હતો. તેની પૂછપરછમાં હોસ્પિટલમાં ચાલતા કૌભાંડ અંગે માહિતી મળી હતી, પરંતુ કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત સહિતના આરોપીઓ અંગે પોલીસને ભાળ મળી નહોતી. આરોપીઓને ઝડપી લેવા માટે ક્રાઇમબ્રાન્ચે 10 ટીમ બનાવીને ટેકનિકલ એનાલિસીસ અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરી હતી. બાતમી મળી હતી કે ચિરાગ રાજપૂત સહિતના આરોપી કપડવંજના ઉકરડીના મુવાડા પાસે આવેલા એક ફાર્મમાં છુપાયા છે. જેના આધારે પોલીસે દરોડો પાડીને ચિરાગ રાજપુત, મિલિન્દ પટેલ અને માર્કેટીંગ ટીમમાં મિલિન્દ માટે કામ કરતા પંકિલ પટેલ અને પ્રતિક ભટ્ટને ઝડપી લીધા હતા.

PMJAY દ્વારા ખ્યાતિને 5 મિનિટમાં મંજૂરીમાં 5 અધિકારીની સંડોવણી

અમદાવાદઃ ખ્યાતિ હોસ્પિટલ કાંડ કેસમાં CEO ચિરાગ સહિત પાંચેય આરોપીઓના રિમાન્ડ શનિવાર સાંજે 4 વાગ્યે પૂર્ણ થતાં ક્રાઇમબ્રાન્ચે આરોપીઓને સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યા છે. બીજી તરફ ખ્યાતિ હોસ્પિટલ એન્જિયોપ્લાસ્ટી તેમજ અન્ય સર્જરી માટે PMJAYની ઓફિસમાં ઓનલાઇન ફાઇલ મોકલે એટલે પાંચ જ મિનિટમાં એપ્રૂવ્લ આવી જતી હતી, આ અંગે ક્રાઇમબ્રાન્ચની તપાસમાં 5 અધિકારીની સંડોવણી બહાર આવી છે. આ પાંચેય અધિકારીઓની ગમે ત્યારે ક્રાઇમબ્રાન્ચ અટકાયત કરી પૂછપરછ કરશે.


comments powered by Disqus