ગાંધીનગરઃ અમદાવાદમાં કોમી તોફાનોને પગલે એક સમૂહના સ્થાળાંતરને રોકવા અને બીજા સમૂહને એક જ વિસ્તારમાં રહેણાક માટે એકત્ર થતો અટકાવવા 1985થી અમલી અશાંત ધારો ધીમેધીમે રાજ્યનાં 16થી વધુ શહેરોમાં વિસ્તર્યો છે. માત્ર એક જ મહિનામાં અમદાવાદને અડીને આવેલા કલોલ શહેર પછી વિરમગામમાં પણ મહેસૂલ વિભાગે અશાંત ધારો અમલમાં મૂકવાની જાહેરાત કરી છે.
અશાંત ક્ષેત્ર કાયદાના અમલથી 16 શહેરોની જેમ વિરમગામમાં પણ અશાંત ક્ષેત્રોમાં મિલકતના ખરીદ- વેચાણ અને હસ્તાંતરણ પર કલેક્ટરનું નિયંત્રણ રહેશે. કલેક્ટરની મંજૂરી સિવાય અશાંત ક્ષેત્રમાં બે અલગ અલગ ધર્મ ધરાવતા મિલકત માલિકો પોતાનુ મકાન, દુકાન અને પ્લોટની સ્થાવર સંપત્તિને એકબીજાને હસ્તાંતરિત કરી શકશે નહીં. મહેસૂલ વિભાગના નાયબ સચિવ પ્રેરક પટેલની સહીથી 29 ડિસેમ્બરે પ્રસિદ્ધ નોટિફિકેશનમાં વિરમગામનાં 18 ક્ષેત્રમાં આવેલા રહેણાક, વાણિજ્ય અને પ્લોટ સહિતની મિલકતોના ખરીદ- વેચાણ પર કલેક્ટરની મંજૂરીને ફરજિયાત બનાવી દેવાઈ છે. ત્રણ સપ્તાહ પહેલાં કલોલ શહેરના 25 વિસ્તારને આ કાયદાના હેઠળ આવરી લેવાયા હતા.

