ગોધરાઃ ભાદર પેટાવિભાગના રોજમદાર બાબુભાઈ ધીરાભાઈ સોલંકીએ ગોધરાની લેબર કોર્ટની કાર્યવાહી દરમિયાન ડાયસ ઉપર ચઢીને જજને બંધ કવરમાં લાંચ આપવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ છે. આ મામલે બાબુભાઈ સોલંકીને પકડીને ગોધરા એન્ટિ કરપ્શન બ્યૂરોને સોંપવામાં આવ્યો છે.
પાનમ યોજના અંતર્ગત ભાદર નહેર વિતરણ પેટાવિભાગમાં રોજમદાર તરીકે ફરજ બજાવતા બાબુભાઈ સોલંકીને 2018માં નોકરીમાંથી છૂટા કરાયા હતા. આ મામલે વર્ષ 2023માં બાબુભાઈએ પોતાને પુન: નોકરી પર લેવા માટે ગોધરાની લેબર કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો, જેની સુનાવણી 4-5 વર્ષથી ચાલતી હતી. આ દરમિયાન કોઈએ તેને લાંચ આપવાની સલાહ આપતાં બાબુભાઈ સુનાવણી ન હોવા છતાં કોર્ટમાં આવ્યા હતા અને કોર્ટની કાર્યવાહી શરૂ થતાં ડાયસ પર ચઢીને જજને બંધ કવરમાં રૂ. 35 હજાર આપવા પ્રયાસ કર્યો હતો.

