અમદાવાદઃ ડુપ્લિકેટ ભારતીય ચલણી નોટ બનાવવાના અનેક રેકેટ વચ્ચે હવે અમદાવાદમાં નકલી ઓસ્ટ્રેલિયન ડોલર્સ બનાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે. જોવાનું એ છે કે આ ફેક્ટરી ઊભી કરનારો પણ એક ઓસ્ટ્રેલિયન નાગરિક મૌલિક પટેલ જ છે. આ ઓસ્ટ્રેલિયન નાગરિકે ગૂગલ પરથી 50 ઓસ્ટ્રેલિયન ડોલરની ઇમેજ ડાઉનલોડ કરી છાપવાનું શરૂ કર્યું હતું. નોટનું પ્રોડક્શન બાદ બજારમાં ફરતી થાય એ પહેલાં જ એસઓજીએ આરોપીઓને ફેક્ટરી સાથે ઝડપી પાડતાં નકલી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. પોલીસે આ કેસમાં ખુશ પટેલ, રોનક, મૌલિક પટેલ, ધ્રુવ દેસાઇની ધરપકડ કરી છે. SOGએ ગોડાઉનથી ડોલર છાપવામાં વપરાતી પ્લાસ્ટિકની સીટ્સ, પ્રિન્ટર, ઇન્ક, પેન ડ્રાઇવ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

