અમદાવાદઃ ‘આજા ફસા જા’ ફિલ્મી ડાઇલોગની જેમ રોકાણકારોને ઠગવાની યોજના બીઝેડ ગ્રૂપના સંચાલકે બનાવ્યાનો ઘટસ્ફોટ પોલીસ તપાસમાં થયો છે. રાષ્ટ્રીયકૃત બેન્ક અને અન્ય નાણાકીય સંસ્થા કરતાં રોકાણકારોને આરોપીઓ ફિક્સ એફડી પર 7 ટકા અને મૌખિક 18 ટકા ઊંચા વ્યાજની લાલચ અને તેની સાથે રૂ. 5 લાખના રોકાણ પર 32 ઇંચનું એલઈડી ટીવી, રૂ. 10 લાખના રોકાણ પર ગોવાની ફ્રી ટૂર આપતા હતા.
આ રીતે રોકાણકારોને શરૂઆતમાં ઊંચું વ્યાજ ચૂકવી વિશ્વાસ સંપાદન કરી આરોપીઓએ રૂ. 6 હજાર કરોડ રોકાણકારો પાસેથી ઉઘરાવી લીધા હતા. જો કે લોકો પોલીસ પાસે ફરિયાદ લઈને પહોંચે તે પહેલાં સીઆઇડી ક્રાઇમે ગુનો દાખલ કર્યો છે. અરજીના કામે જવાબ માટે પોલીસ સમક્ષ હાજર થવાની જગ્યાએ આરોપી ભૂપેન્દ્ર ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. ભૂપેન્દ્ર વિદેશ ભાગી જાય તેવી શક્યતા હોઈ લૂક આઉટ સર્ક્યુલર નોટિસ ઇશ્યૂ કરી છે.
હિંમતનગરના રાયગઢમાં ઝાલાનગરમાં રહેતા ભૂપેન્દ્રસિંહ ઝાલા બી.ઝેડ ટ્રેડર્સ, બી.ઝેડ ફાઇનાન્શિયલ સર્વિસ, બી.ઝેડ. ગ્રૂપ ઓફ મેનેજમેન્ટ જેવી 3 જેટલી કંપનીના સીઈઓ તરીકે કાર્યરત્ હતા. ગુજરાતના તલોદ, હિંમતનગર, મહેસાણા જિલ્લામાં વિજાપુર, અરવલ્લી જિલ્લામાં મોડાસા અને માલપુર અને ગાંધીનગરમાં ઓફિસો ખોલી તેમજ અન્ય એજન્ટો રાખી તેઓ થકી વિવિધ શહેરોમાં ઓફિસ ખોલી હતી.

