બે સ્ટેન્ટ નાખતાં દર્દીનું મોતઃ ‘વળતર નહીં, ન્યાય આપો’

Wednesday 04th December 2024 05:35 EST
 
 

અમદાવાદઃ એસ.જી. હાઇવે સ્થિત કાર્તિક પટેલની ખ્યાતિ હોસ્પિટલનાં અનેક કાળાં કરતૂતો સામે આવ્યાં છે બે વર્ષ પહેલાં એટલે કે નવેમ્બર 2022માં ખ્યાતિ હોસ્પિટલમાં કલોલના વૃદ્ધ શકરાજી ઠાકોરે સારવાર લીધી હતી, જેમાં ડાયાબિટીસના આ દર્દીને હૃદયરોગની બીમારી હોવાનું કહીને બે સ્ટેન્ટ નાખ્યાં હતાં, એ પછી એ જ દિવસે આ દર્દીનું મોત થયું હતું. હૃદયરોગની સારવારની જરૂર ન હોવા છતાં હોસ્પિટલે સારવાર કરી હતી, જેના કારણે હોસ્પિટલમાં પરિવારે હોબાળો મચાવ્યો હતો. આ મૃતક દર્દીના સ્વજને જણાવ્યું હતું કે, અમને કોઈ જ વળતર જોઈતું નથી, પરંતુ આરોપીઓને કડક સજા થાય અને ન્યાય મળે એટલી જ અમારી માગણી છે.
કલોલના ધમાસણામાં ખ્યાતિ હોસ્પિટલે નવેમ્બર 2022માં મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું, જેમાં મૃતક દર્દી શકરાજી ગયા હતા, એ પછી 14 નવેમ્બરે ખ્યાતિ હોસ્પિટલે બોલાવ્યા હતા. જો કે પરિવારજનોને આ વાતની જરાપણ ખબર નહોતી. મૃતકના પરિજનના કહેવા પ્રમાણે દર્દીને ડાયાબિટીસની તકલીફ હતી, પરંતુ હોસ્પિટલે હૃદયરોગના દર્દી હોવાનું કહીને બે સ્ટેન્ટ નાખી દીધાં હતાં.
ખ્યાતિ કાંડ બાદ હવે કેટલીક ખાનગી હોસ્પિટલમાં ચાલતી પોલમપોલ બહાર આવી રહી છે, જેમાં મહેસાણા સરકારી સિવિલ હોસ્ટિપટલમાં ખાનગી હોસ્પિટલના એજન્ટો આવીને દર્દીઓને ભોળવીને તેમની હોસ્પિટલમાં સારી અને મફત સુવિધા મળશે કહીને લઈ જતા હોવાનું કૌભાંડ સામે આવ્યું છે.


comments powered by Disqus