મુંદ્રાના સ્થાનિકો અદાણી વિરુદ્ધ પહોંચ્યા સુપ્રીમ કોર્ટ

Wednesday 04th December 2024 05:03 EST
 

નવી દિલ્હીઃ મુંદ્રાના સ્થાનિકો અદાણી કંપનીના વિસ્તાર માટે કરવામાં આવેલા જમીન સંપાદન વિવાદમાં સુપ્રીમ કોર્ટની હસ્તક્ષેપની માગણી કરી છે. ગુજરાત સરકારે સ્થાનિકોના વિરોધ વચ્ચે જમીન સંપાદન કર્યું હતું. સ્થાનિકોનું કહેવું છે કે આ જમીન સંપાદનથી ગોચરની જમીન ખૂબ ઓછી બચે છે. તેની સામે રાજ્ય સરકારે હાઇકોર્ટને જણાવ્યું હતું કે, આ જમીન સંપાદન રદ કરી દેવામાં આવશે અને તેમની જમીન તેમને પરત સોંપી દેવામાં આવશે.
જે બાદ જુલાઈમાં સુપ્રીમ કોર્ટે જમીન સંપાદનને રદ કરવાના હાઇકોર્ટના આદેશ પર રોક લગાવી દીધી હતી. આ મુદ્દાને 3 ડિસેમ્બરે ફરી સુપ્રીમ કોર્ટમાં ઉઠાવાયો, જેમાં વકીલે જણાવ્યું કે, આ મુદ્દે ક્યાં સુધી વિચાર કરાશે, જ્યારે કે અદાણી પોર્ટ દ્વારા નિર્માણ શરૂ કરવા માટે જેસીબી મશીન પણ મગાવી લીધાં છે.
સુપ્રીમ કોર્ટે અરજી દાખલ કરવા જણાવ્યું
સ્થાનિકોએ વિવાદિત જમીન પર નિર્માણ રોકવા સુપ્રીમ કોર્ટને આદેશની અપીલ કરી છે. સ્થાનિકોની માગણી પર ન્યાયમૂર્તિ બી.આર. ગવઈ અને ન્યાયમૂર્તિ કે.વી. વિશ્વનાથનની ખંડપીઠે તેમને અરજી દાખલ કરવા કહ્યું છે. અરજી બાદ સુપ્રીમ કોર્ટ આ અંગે વિચાર કરશે.


comments powered by Disqus