અમદાવાદઃ ગુજરાતનું હડપ્પા સંસ્કૃતિનું મહત્ત્વનું કેન્દ્ર ગણાતા લોથલમાં બુધવારે 27 નવેમ્બરે ભેખડ ધસી પડતાં બે મહિલા અધિકારી 15 ફૂટ ઊંડા ખાડામાં દટાયાં હતાં. દિલ્હી અને ગાંધીનગરથી માટીનાં સેમ્પલ માટે ગયેલાં મહિલા અધિકારી અને આઇઆઇટીની વિદ્યાર્થિની સેમ્પલ મેળવી રહ્યાં હતાં, ત્યારે જ ભેખડ ધસી પડતાં બંને દટાયાં હતાં. એમાં આઇઆઇટીની વિદ્યાર્થિની સુરભિ વર્માનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે જિયોલોજિસ્ટ યામા દીક્ષિતને સારવારઅર્થે ખસેડાયાં હતાં.
અમદાવાદ જિલ્લાના લોથલમાં હાલ મેરિટાઇમ મ્યુઝિયમની કામગીરી ચાલી રહી છે. એની નજીકમાં જ જૂની સાઇટ પાસે રસ્તાનું કામ ચાલી રહ્યું હતું. અહીં દિલ્હીથી અધિકારી અને સ્ટુડન્ટ્સ માટીનાં સેમ્પલ માટે આવ્યા હતા, જેમણે 15 ફૂટ ઊંડો ખાડો ખોદાવ્યો હતો અને એમાં સેમ્પલ લેવા માટે ઊતર્યાં હતાં. આ સમયે ભેખડ ધસી પડતાં બંને મહિલા દટાઈ હતી. ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયરબ્રિગેડની ટીમે મહિલાઓની રેસ્ક્યૂ કામગીરી હાથ ધરાઈ હતી.

