વડોદરાઃ વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરમાં રૂ. 616 કરોડનાં 74 વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2047માં રાજ્યનાં 10 શહેરને વિકસાવવાની નેમ લીધી છે. શહેરને વાઇબ્રન્ટ, સોશિયલ અને ઇકોનોમિક કેપિટલ હોય તે રીતે વિકસાવાશે. આ 10 શહેરો જીડીપીમાં 50 બિલિયન યુએસ ડોલરનો હિસ્સો હશે. જેમાં વડોદરા પણ એક શહેર હોઈ શકે છે. તેઓએ નવા વર્ષમાં વડોદરાને અલકાપુરી ઓવરબ્રિજની ભેટ મળશે તેવી જાહેરાત કરી હતી. વડોદરા પહોંચ્યા પહેલાં મુખ્યમંત્રીએ અમદાવાદમાં પુસ્તકમેળાનું ઉદઘાટન કર્યું હતું.
વડોદરામાં જ ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોલમાં યોજાયેલા બીજા દીક્ષાંત સમારોહમાં રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ ઉપસ્થિત રહ્યા હતા. પદવીદાન સમારોહમાં હાજર રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં ટાટા એરબસનો પ્લાન્ટ પણ કાર્યરત્ થયો છે અને એરબસને આગામી સમયમાં 15 હજાર જેટલા ઇજનેરોની જરૂરિયાત ઊભી થવાની છે.

