ગુજરાતમાં એકસાથે 4 સિસ્ટમ સક્રિય થતાં ફરી મેઘતાંડવનું સંકટ

Wednesday 04th September 2024 05:56 EDT
 
 

અમદાવાદઃ રાજ્યમાં ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સોમવારથી ભારે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં 8 ઇંચથી વધારે વરસાદને કારણે જળબંબાકાર સર્જાતાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરાઈ હતી. સાથે જ વડોદરા સહિત મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પણ હળવોથી ભારે વરસાદ શરૂ થયો હતો. હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે એકસાથે ચાર સિસ્ટમ સક્રિય થવાથી મધ્ય-દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
113 ડેમ 100 ટકા ભરાયા
રાજ્ય સરકારના જણાવ્યા પ્રમાણે ભારે વરસાદની સ્થિતિના કારણે 10 નદી ભયજનક સપાટીએ વહી રહી છે. રાજ્યનાં જળાશયોમાં 24 ઓગસ્ટે 63.81 ટકા સરેરાશ જળસ્તર હતું, જે વધીને 78.45 ટકા થયું છે. રાજ્યમાં હાલ 113 જળાશય 100 ટકા ભરાયેલાં છે. સરદાર સરોવરમાં હાલ 86.12 ટકા જળસંગ્રહ છે. ઉત્તર ગુજરાતનાં 15 જળાશયોમાં 50.49 ટકા, મધ્ય ગુજરાતનાં 17 જળાશયોમાં 93.21 ટકા, દક્ષિણ ગુજરાતનાં 13 જળાશયોમાં 79.09 ટકા, કચ્છનાં 20 જળાશયોમાં 87.74 ટકા અને સૌરાષ્ટ્રનાં 141 જળાશયોમાં 82.50 ટકા જળસ્તર છે.
પાક નુકસાનીનો સરવે કરવા ખેડૂતોની અપીલ
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ છે. દક્ષિણ ગુજરાતના અતિમહત્ત્વના પાક શેરડીમાં 15,000 એકરમાં શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. બોટાદમાં કપાસના પાકમાં સુકારો નામનો રોગ આવતાં ઊભેઊભો પાક સુકાવા લાગ્યો છે. આ સ્થિતિના પગલે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. આ સ્થિતિમાં જગતના તાતે રાજ્ય સરકાર તરફ આશાની નજર માંડી છે અને નુકસાનીનો સરવે કરવા કૃષિમંત્રીને અપીલ કરી છે.
રાજ્યમાં આ મહિને પણ સામાન્યથી વધુ વરસાદ
સપ્ટેમ્બર મહિનામાં પણ ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે. દૈનિક 1 મિ.મી.થી લઈ 40 મિ.મી. સુધીના વરસાદની શક્યતા વચ્ચે સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા 34થી 65 ટકા સુધીની રહી શકે છે. આ દરમિયાન ગુજરાતના ઉત્તર, મધ્ય-પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં વરસાદનું જોર વધુ રહી શકે છે. 15 સપ્ટેમ્બરની આસપાસ ચોમાસાની વિદાયના સંકેત મળે તેવું ભારતીય હવામાન વિભાગે સપ્ટેમ્બરના લાંબા ગાળાના અનુમાનમાં જણાવ્યું હતું.
માંડવીમાં ઠેર-ઠેર વિનાશ વેરાયો
કચ્છના માંડવીમાં છેલ્લા અતિભારે વરસાદથી ઠેરઠેર ખાનાખરાબીનાં દૃશ્યો સર્જાયાં છે. માંડવી શહેરના અનેક વિસ્તારોમાં ગોઠણડૂબ તેમજ કમરડૂબ પાણી ભરાયાં હતા, તો માંડવીને જોડતા રસ્તાઓ પણ સાવ તૂટી ગયા છે. માંડવીની મુખ્ય બજાર સહિતનો વિસ્તાર જળમગ્ન થતાં વેપારીઓને ભારે નુકસાન થયું છે, તો પાણી ભરાતાં નગરપાલિકા બિલ્ડિંગ પણ અડધું ડૂબી ગયું હતું. આ સ્થિતિના પગલે માંડવીમાં બચાવ માટે આર્મી ઉતારાઈ છે. આ સ્થિતિના કારણે માંડવીથી 700થી વધુ લોકોનું સ્થળાંતર કરાવાયું હતું.
50 હજારથી વધુ અસરગ્રસ્તોનું સ્થળાંતર
રાજ્યભરમાં ભારે વરસાદને પગલે હજારો લોકો પૂરનાં પાણીમાં ફસાયા હતા. જેથી વિવિધ બચાવ ટીમોએ અત્યાર સુધી કુલ 50 હજારથી વધુ અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડ્યા હતા. સરહદ પર દુશ્મનો માટે મૃત્યુદાતા બનનારા આ જવાનો આપણા દેશવાસીઓ માટે અત્યારે જીવનદાતાની ભૂમિકા નિભાવી અબાલ-વૃદ્ધોને જળ હોનારતથી સલામત સ્થળે ખસેડી રહ્યા છે. આ સાથે 30થી વધુ લોકોનાં વરસાદના કારણે મોત થયાં છે.
વડાપ્રધાને પૂરની સ્થિતિ જાણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સવારે ટેલિફોન મારફતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ગુજરાતમાં સર્જાયેલી પૂર અને ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિ અંગે વાતચીત કરી હતી. તેમણે નાગરિકોના બચાવ અને રાહતકાર્ય અંગે પણ મુખ્યમંત્રી પાસેથી માહિતી મેળવી હતી. આ સિવાય લોકો અને પશુઓના રક્ષણ માટે બચાવ ટુકડીઓ સહિતની વધુ સહાય અને સહયોગ માટે કેન્દ્ર સરકાર મદદ કરશે તેવી ખાતરી આપી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રીએ રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સાથે બેઠક કરી સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે સર્જાયેલી તારાજી અંગે ચર્ચા કરી હતી. પાણીમાં ફસાયેલા લોકોનો બચાવ અને રાહત સામગ્રી વિતરણ બાબતે સૂચના આપી હતી.
પાણીની અછતની વિદાય, પણ અતિવૃષ્ટિનું આગમન
ગુજરાતના અનેક જિલ્લામાં પાણીની અછતે તો વિદાય લઈ લીધી છે, પરંતુ અતિવૃષ્ટિનું આગમન ચોક્કસ થઈ ગયું છે. ક્યાંક વરસાદની ઘટ પડે છે તો ક્યાંક ચોમેર પાણી-પાણી થઈ જાય છે. ગુજરાતમાં ક્લાયમેન્ટ ચેન્જને કારણે વરસાદની પેટર્ન જ બદલાઈ ગઈ છે. નિષ્ણાતોનુ માનવું છે કે, વરસાદની વધતી જતી તીવ્રતા ગુજરાત માટે સારા સંકેત નથી.

નુકસાન અને રેસ્ક્યૂ

• રાજ્યમાં સિઝનનો વરસાદ 105 ટકાથી વધારે
• ગુજરાતમાં વરસાદથી 1285થી વધુ મકાનને નુકસાન
• તંત્ર દ્વારા 41678 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું
• એનડીઆરએફ, એસડીઆરએફ દ્વારા 3641 લોકોનું રેસ્ક્યૂ
• વરસાદથી 50 કરતાં વધુ ટ્રેન રદ
• ગુજરાત એસટીની 4531 ટ્રિપ કેન્સલ
• ગુજરાતના 34 સ્ટેટ હાઇવે, 1 નેશનલ હાઇવે બંધ
• વડોદરામાં પૂરથી રૂ. 1 હજાર કરોડનું નુકસાન
• વડોદરામાં પૂરની પરિસ્થિતિમાં 21 મગરનું રેસ્ક્યૂ
• કમાટીબાગ ઝૂમાં 5 ફૂટ પાણી ભરાતાં 24 પશુ-પક્ષીનાં મોત
• ડભોઈની થુવાવી વસાહતના 11 લોકોનું રેસ્ક્યૂ
• કરજણમાં પીંગલવાડાથી 350 જેટલાં લોકોનું સ્થળાંતર
• ખેડાના માતરની સીમથી 66 લોકોનું SDRF દ્વારા રેસ્ક્યૂ
• માતરનું હૈજરાબાદ ગામ બેટમાં ફેરવાયું
• જંબુસરના ઉબેર ગામે ડૂબી જતા 100થી વધુ પશુનાં મોત
• મહિસાગર જિલ્લાના વીરપુરની લાવેરી નદીમાં ઘોડાપૂર
• જામનગરમાં પાણીમાં તણાઈ ગયેલા પિતા-પુત્રના મોત
• જામજોધપુરના તરસાઈ ગામેથી 74 લોકોનું સ્થળાંતર કરાયું
• જૂનાગઢનું નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો
• માણાવદરમાં વાડીમાં બે દિવસથી ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યૂ
• દ્વારકાના દરિયામાંથી કોસ્ટગાર્ડ દ્વારા 13 માછીમારનું રેસ્ક્યૂ
• મચ્છુના પાણીથી માળિયાનાં ઘર, દુકાનમાં 5 ફૂટ પાણી
• મોરબીમાં 5 હજાર એકર કપાસ, મગફળીનો પાક બળ્યો
• રાજકોટમાં વરસાદે લોકમેળાના કરોડો ધોયા
• અમરેલીના વડિયામાં 144.05 ટકા વરસાદ
• કચ્છમાં 4 દિવસમાં સિઝનનો 77 ટકા, 377 મિ.મી. વરસાદ
• જોડિયામાં સૈનિકોએ 6 બાળકો સહિત 8 લોકોનું રેસ્ક્યૂ કર્યું
• ભુજનું હમીરસર તળાવ ઓવરફ્લો થતાં લોકોએ વધાવ્યું
• સુખપરમાં નદીમાં ફસાયેલા યુવકને સ્થાનિકોએ બચાવ્યો
• કચ્છનું નારાયણ સરોવર ઓવરફ્લો
• કચ્છના મુન્દ્રાની ભુખી, કેવડી અને સુરાઈ નદીમાં ઘોડાપૂર
• ભુજના આશાપુરા નગરથી વૃદ્ધાનું રેસ્ક્યૂ કરાયું
• માંડવીમાં વરસાદમાં ફસાયેલા 15 લોકોનું તંત્ર દ્વારા રેસ્ક્યૂ
• ડુમરાની નદીમાં એસ.ટી. બસ ફસાઈ, મુસાફરોનો બચાવ
• અંજારનો ટપર ડેમ ઓવરફ્લો
• અંબાજી નજીક વૃદ્ધ નદીમાં તણાયા
• અંબિકા નદીનાં પાણીના પ્રવાહમાં બે ટ્રક તણાઈ
• વાલોડની વાલ્મીકિ નદીમાં ફસાયેલા પશુઓ એરલિફ્ટ
• ભરૂચ વાલિયામાં સોમ-મંગળવાર દરમિયાન 12 ઇંચ
• વાલિયામાં 32 કલાકમાં જ પડ્યો 18 ઇંચ વરસાદ
• નવસારીમાં પૂર્ણા નદીનાં પાણીએ વેર્યો વિનાશ
• વલસાડમાં કાર સાથે તણાયેલી મહિલાનો બચાવ
• સુરત અને ભરૂચ બોર્ડર પર ટોકરી નદીમાં ઘોડાપૂર
• ટોકરી નદીમાં પૂરથી લીમડી ફળિયું સપર્કવિહોણું
• સુરતના માંગરોળના નાની પારડી ગામે 4 લોકોનું રેસ્ક્યૂ
• ઉકાઈ ડેમ રૂલ લેવલ કરતાં ઉપર
• બારડોલી નગરમાંથી પસાર થતી મીંઢોળા નદી ગાંડીતુર
• મીંઢોળા નદીમાં તણાતાં પિતા-પુત્રને બચાવાયા


comments powered by Disqus