વિશ્વામિત્રી રિડેવલપમેન્ટ માટે રૂ. 1200 કરોડના પેકેજને મુખ્યમંત્રીની મંજૂરી

Wednesday 04th September 2024 05:56 EDT
 
 

વડોદરાઃ વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં આવતા પૂરને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. 1200 કરોડના વિશ્વામિત્રી રિવર રિવાઇવલ એન્ડ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટ માટે મુખ્યમંત્રીએ એક કમિટી બનાવી છે, જેમાં મ્યુનિ. કમિશનર, કલેક્ટર અને તમામ વિભાગના અધિકારીઓ રહેશે. મુખ્યમંત્રીએ વડોદરામાં પૂરથી સર્જાયેલી તારાજીનું ગુરુવારે નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રી વડોદરામાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત બાદ શહેરીજનોને મળ્યા હતા. ત્યારબાદ કલેક્ટર ઓફિસમાં ધારાસભ્યો સહિત પ્રતિનિધિઓ અને પદાધિકારીઓને મળ્યા હતા.
આ મીટિંગમાં વડોદરાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ વડોદરા માટે વિશ્વામિત્રી રિવર રિવાઇવલ અને રિડેવલપમેન્ટ માટે માગણી કરી હતી, જેને મુખ્યમંત્રીએ મંજૂર કરી હતી. આ પ્રોજેક્ટ રૂ. 1200 કરોડની આસપાસનો છે, જેમાં મુખ્યમંત્રીએ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટને તુરંત આ પ્રોજેક્ટમાં તૈયારી કરીને આ પ્રોજેક્ટ સરકાર સમક્ષ મૂકવા અને ઝડપથી પ્રોજેક્ટને ચાલુ કરવા માટે ખાસ સૂચના આપી છે.
વડોદરાની સ્થિતિ જોતાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પાંચ દિવસમાં ત્રણ વખત વડોદરાની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે કોર્પોરેશનના અધિકારીઓને જરૂરી સૂચના આપી લોકોને મદદરૂપ થવા કહ્યું હતું.
પૂરની સ્થિતિમાં કોઈપણ રાજનેતાની મદદ ન મળતાં સ્થાનિકો ઉશ્કેરાયા હતા અને સોસાયટી બહાર જ કોઈપણ રાજનેતાને પ્રવેશ ન આપવાનાં બેનર લગાવ્યાં હતાં. ત્યાં સુધી કે કિટવિતરણ માટે ગયેલા શિક્ષણમંત્રી કુબેર ડિંડોરને સ્થાનિકોએ દૂરથી જ રામરામ કરી દીધા હતા.


comments powered by Disqus