બગસરાઃ બગસરા સ્વામિનારાયણ મંદિરમાં છેલ્લા ઘણા દિવસોથી સંતો વચ્ચે વિવાદ હોવાની ચર્ચા લોકોમાં થઈ રહી છે. જેને પગલે શનિવારે સંતો વચ્ચે મારામારી થવાની દહેશતે રાત્રે પોલીસ દ્વારા બંદોબસ્ત મૂકવાની ફરજ પડી હતી. અહીં નવા સંતો અને જૂના સંતોનાં બે જૂથ પડી ગયાં છે. મંદિરમાં ચડસાચડસી વધી ગઈ છે, તેમજ સભા પણ બે થાય છે. આની વચ્ચે બે જૂથ વચ્ચે મારામારી થવાની શક્યતા સર્જાતાં હરિભક્તોનાં ટોળેટોળાં ઊમટી પડતાં સ્થિતિને કાબૂમાં લેવા પોલીસ દોડી આવી હતી.
બગસરા સ્વામિનારાયણ મંદિર ખાતે છેલ્લા ઘણા દિવસોથી નવા અને જૂના સંતો વચ્ચે અનેક બાબતે વિવાદ ચાલી રહ્યો છે. સંતો વચ્ચેનો વિવાદ વધતાં બગસરા સ્વામિનારાયણ મંદિર ખાતે શનિવારે વિવાદને શાંત પાડવા તેમજ સંતો વચ્ચે ચાલતા ઝઘડાને પૂરો કરવા માટે પ્રયત્ન કર્યો હતો અને તેમને શાંતિ જાળવવા અપીલ કરાઈ હતી.

