અંજારઃ 4 જૂન વૈશાખ વદ તેરસ (અંધારી તેરસ) ના રોજ કચ્છનાં અનેક ગામોમાં પ્રાથળિયા આહિર સમાજના લગ્નોત્સવની ઉજવણી કરવામાં આવી. જેમાં આહિર સમાજનાં અનેક યુગલોએ દાંપત્યજીવનમાં ડગ માંડ્યાં. આ તમામમાં અંજાર તાલુકાના સતાપર ગામના આહિર સમાજના અગ્રણીએ પુત્રનાં લગ્ન નિમિત્તે પ્રધાનમંત્રી સૂર્ય ઘર: મફત વીજળી યોજનાની વિગત દર્શાવતી કંકોત્રી છપાવતાં આ પત્રિકા આકર્ષણનું કેન્દ્ર બની છે. કચ્છ-સૌરાષ્ટ્ર પીજીવીસીએલ કોન્ટ્રાક્ટર એસોસિયેશનના પ્રમુખ ગોપાલભાઈ કાનજીભાઈ માતાએ તેમના પુત્ર રોહનનાં લગ્ન નિમિત્તે બનાવડાવેલી કંકોત્રીમાં કેન્દ્ર સરકારની `પ્રધાનમંત્રી સૂર્ય ઘર: મફત વીજ યોજના` ની વિગત દર્શાવી છે.
આ યોજના અંતર્ગત નાણાંની બચત, વાતાવરણ પર થતી અનુકૂળ અસર, મિલકતની કિંમત, જનસમૂહને થતા લાભ, સબસિડી જેવા લાભ દર્શાવવામાં આવ્યા છે, તેમજ સોલાર રૂફટોપ મેળવવાનું નેશનલ પોર્ટલનો ક્યુઆર કોડ અને લિન્કને પણ દર્શાવાયાં છે, જેથી લોકો આ યોજના અંગે સરળતાથી વેબસાઇટ પર માહિતી મેળવી શકે છે.

