ટી-20 વર્લ્ડકપઃ 400થી વધુ ગુજરાતીઓ અમેરિકા પહોંચ્યા

Wednesday 05th June 2024 05:10 EDT
 
 

અમદાવાદ: દેશમાં લોકસભાની ચૂંટણી સાથે હવે ટી-20 વર્લ્ડકપનો માહોલ પણ જામવા જઈ રહ્યો છે. 2 જૂનથી અમેરિકા અને વેસ્ટઇન્ડીઝની સંયુક્ત યજમાનીમાં યોજાનારા ટી-20 વર્લ્ડકપ માટે ગુજરાતથી 400થી વધુ લોકો અમેરિકા પહોંચ્યા છે.
ટી-20 વર્લ્ડકપના રાઉન્ડમાં ભારતીય ટીમ ન્યૂયોર્ક ખાતે 5 જૂને આયર્લેન્ડ, 9 જૂને પાકિસ્તાન, 12 જૂને અમેરિકા જ્યારે 15 જૂને કેનેડા સામે રમશે. ઉનાળાના વેકેશનમાં અમેરિકા ફરવા અને ભારતીય ટીમનો જુસ્સો વધારવા માટે ગુજરાતથી અનેક લોકોએ અગાઉથી જ આયોજન કરી દીધું હતું. આ અંગે ગુજરાતના મનીષ શર્માએ જણાવ્યું કે, 'અમેરિકા જવા કોન્સ્યુલેટના વિઝા માટે હાલ વર્ષ 2025 સુધીનું વેઇટિંગ છે. જેના કારણે જેઓ છેલ્લી ઘડીએ વર્લ્ડકપ જોવા અમેરિકા જવું તેમના માટે લગભગ અશક્ય છે.
અલબત્ત, જેમણે થોડા મહિના અગાઉ જ વિઝા સહિતની ઔપચારિકતા પૂરી કરી લીધી છે, તેઓ મોટી સંખ્યામાં અમેરિકા પહોંચી ગયા છે. ખાસ કરીને ભારત – પાકિસ્તાનની મેચને લઈને સૌથી વધુ ઉત્સાહ છે.
વર્લ્ડકપમાં ભારત – પાકિસ્તાન મેચ માટે ઓછામાં ઓછી ટિકિટ 300 ડોલરની છે, પરંતુ આ તમામ ટિકિટ વેચાઈ ચૂકી છે. ન્યૂયોર્કના સ્ટેડિયમના ડાયમન્ડ ક્લબ સેક્શનમાં ટિકિટના દર 20 હજાર ડોલર (અંદાજે રૂ. 16.65 લાખ) છે. અગાઉ 2019નો વર્લ્ડકપ ઈંગ્લેન્ડમાં હતો ત્યારે પણ ગુજરાતથી મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ ઈંગ્લેન્ડ પહોંચ્યા હતા. અમેરિકા પહોંચેલા ગુજરાતી ક્રિકેટપ્રેમીઓ લાખોના ખર્ચ છતાં ધસારો કરી રહ્યા છે.


comments powered by Disqus