ભુજઃ પ્રવાસન ક્ષેત્રે શિરમોર કચ્છમાં છેવાડાના અબડાસા તાલુકામાં આવેલા પિંગળેશ્વર દરિયાકિનારાનો ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા બીચ તરીકે વિકાસ કરવામાં આવશે. રૂ. 5 કરોડના ખર્ચે ઊભી થનારી સુવિધાઓ માટેનો પ્રોજેક્ટ પ્લાન મંજૂર થઈ ગયો છે, જે ટેન્ડર બહાર પાડી વર્ક ઓર્ડર આપ્યાના એક વર્ષમાં કાર્ય પૂર્ણ કરવાની ધારણા છે. આ પ્રોજેક્ટથી સ્થાનિકોને રોજીરોટી મળશે સાથે પ્રવાસધામ તરીકે વિકાસ પામશે. અબડાસામાં આ પ્રથમ સ્થાનિક પ્રવાસન સ્થળ હશે.
દરિયાકિનારે અન્ય આકર્ષણો
પિંગળેશ્વર બીચના વિકાસ માટે વિવિધ આકર્ષણ ઉમેરવામાં આવશે. જેમાં 32,500 સ્ક્વેર મીટરના પ્રોજેક્ટમાં પાથ- વે, કંટ્રોલરૂમ ઓફિસ, સીસીટીવી કેમેરા, ઇલેક્ટ્રિક ફિક્શન, બેસવા માટે બાંકડા, વોલીબોલ, કબડ્ડી સહિતની બીચ ગેમ રમવા પ્લે એરિયા બનાવવામાં આવશે.
દરિયાથી 500 મીટર દૂર પાકું બાંધકામ
અન્ય દરિયાકાંઠાની તુલનાએ પિંગળેશ્વરનો દરિયો તોફાની છે. અહીં નહાવાની સખ્ત મનાઈ છ. અહીં વોચ ટાવર સાથે ગેમ ઝોન, રેત શિલ્પ, સેલ્ફી પોઇન્ટ સહિતની સુવિધા પ્રવાસીઓને આકર્ષિત કરશે.
અહીં નજીકમાં પિંગળેશ્વર મહાદેવનું મંદિર છે. દરિયાકિનારે દરવર્ષે સ્થળાંતરિત પક્ષીઓનો જમાવડો હોય છે, સાથે જ સૂર્યાસ્ત
સમયે પવનચક્કીનો નજારો અનોખો માહોલ ઊભો કરે છે.

