અમદાવાદઃ એક સમયે કોંગ્રેસના ગઢસમાન ગણાતી બારડોલી બેઠક પર ભાજપે જીતની હેટ્રિક લગાવી છે. બારડોલી બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાએ જીત મેળવી છે. 2019માં અહીં પ્રભુ વસાવાને 2,15,447ની લીડ મળી હતી. જ્યારે 2024માં 2,30,253 મતની લીડ સાથે જીત મેળવી છે. બારડોલી સીટ પહેલાં માંડવી સીટ તરીકે ઓળખાતી હતી. અહીં 1957માં પહેલી ચૂંટણી થઈ ત્યારથી 1998 સુધી સળંગ કોંગ્રેસને જ જીત મળી.
1999માં એકવાર ભાજપને આ સીટ મળી પણ પછી 2004 અને 2009ની ચૂંટણીમાં ફરી આ સીટ કોંગ્રેસ પાસે ગઈ. 2004 અને 2009માં કોંગ્રેસના ડો. તુષાર ચૌધરી સાંસદ બન્યા પણ 2014 અને 2019માં મોદી લહેરના કારણે ભાજપને ફાળે આ સીટ ગઈ. 1999, 2014 અને 2019 એમ ત્રણ જ વાર આ સીટ પર ભાજપની જીત થઈ હતી. ત્યારબાદ હવે 2024માં પણ આ બેઠક જાળવી રાખવામાં ભાજપ સફળ રહ્યો છે.

