ભાજપે પાંચેય વિધાનસભા બેઠક કબજે કરી

વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 161 થયું, વિસાવદર અને વાવ બેઠક હજી ખાલી

Wednesday 05th June 2024 05:43 EDT
 
 

ગાંધીનગરઃ લોકસભા ચૂંટણી 2024ની સાથેસાથે અનેક રાજ્યોમાં ચૂંટણી પણ યોજાઈ ગઈ. આ શ્રેણીમાં ગુજરાત વિધાનસભાની 5 બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપે તમામ પાંચ બેઠક વિજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત અને વાઘોડિયા જીતી લીધી છે. જેમાં પોરબંદરતી અર્જુન મોઢવાડિયા, વિજાપુરથી સી.જે. ચાવડા, માણાવદરથી અરવિંદ લાડાણી, ખંભાતથી ચિરાગ પટેલ અને વાઘોડિયાથી ધર્મેન્દ્ર વાઘેલા ચૂંટણી જીત્યા છે. હકીકતમાં પાંચ પૈકી ચાર ધારાસભ્યો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા અને પેટાચૂંટણી લડ્યા હતા.
ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ અપક્ષ તરીકે ચૂંટણી જીતી હતી. જો કે બાદમાં રાજીનામું આપી દીધું હતું અને હવે ભાજપમાંથી ચૂંટણી જીત્યા છે. આ પાંચ વિધાનસભાની જીત સાથે વિધાનસભાની 182 બેઠકો પૈકી ભાજપનું સંખ્યાબળ હવે 156થી વધી 161 થઈ ગયું છે.
આ ચૂંટણીમાં કોંગ્રેસે વિજાપુરથી દિનેશ પટેલ, પોરબંદરથી રાજુ ઓડેદરા, માણાવદરથી હરિભાઈ કણસાગરા, ખંભાતથી મહેન્દ્રસિંહ પરમાર અને વાઘોડિયાથી કનુભાઈ ગોહિલને મેદાને ઉતાર્યા હતા. ઉલ્લેખનીય છે કે ભાજપ દ્વારા પેટાચૂંટણી માટે પસંદ કરાયેલા પાંચેય ઉમેદવારો વર્તમાન ગુજરાત વિધાનસભાના સભ્યો હતા, પરંતુ સી.જે. ચાવડા, અર્જુન મોઢવાડિયા, અરવિંદ લાડાણી અને ચિરાગ પટેલે ભાજપમાં જોડાયા બાદ રાજીનામું આપી દીધું હતું. આ તમામે જે બેઠક પરથી રાજીનામું આપ્યું હતું તે જ બેઠક પરથી તેઓ ફરી ભાજપના સિમ્બોલ પર ચૂંટણી લડી જીત્યા છે.
વર્ષ 2022માં 182 સભ્યોની ગુજરાત વિધાનસભા માટે ચૂંટણી યોજાઈ હતી, તે સમયે ભાજપે રેકોર્ડ 156 બેઠકો જીતી હતી આમ કોંગ્રેસ પાસે 17, આપ પાસે 5, વિપક્ષ પાસે 3, સપા પાસે એક બેઠક હતી. વિધાનસભા ચૂંટણીનાં પરિણામો બાદ 6 ધારાસભ્યો રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. આ 6 બેઠક પૈકી વિસાવદર વિધાનસભા બેઠક સિવાયની તમામ પાંચ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ છે. હવેની સ્થિતિમાં ગુજરાત વિધાનસભા સભ્યોમાં ભાજપના 161, કોંગ્રેસના 13, આપના 4, અપક્ષ 2 અને સપાના એક ધારાસભ્યનો સમાવેશ થાય છે. વાવ વિધાનસભા ધારાસભ્ય ગેનીબહેન ઠાકોર બનાસકાંઠા લોકસભા બેઠકથી જીતતાં તે બેઠક ખાલી પડશે. આમ વાવ અને વિસાવદર બેઠક પર ભવિષ્યમાં એકસાથે પેટાચૂંટણી યોજાશે.


comments powered by Disqus