માની લો કે હું ચોર છું, પણ તમારી પાસે પુરાવા ક્યાં?: કેજરીવાલ

Wednesday 05th June 2024 05:11 EDT
 
 

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે દિલ્હી સ્થિત તિહાર જેલમાં સરેન્ડર કર્યું હતું. સુપ્રીમ કોર્ટ દ્વારા કેજરીવાલને આપવામાં આવેલા વચગાળાના જામીનનો સમય 1 જૂને પૂર્ણ થતા તેઓ ફરી પાછા જેલ જતા રહ્યા છે. જેલ જતા પહેલા કેજરીવાલે દિલ્હી સ્થિત રાજઘાટ પર જઇને મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. બાદમાં હનુમાનજીના મંદિરે પ્રાર્થના કરી હતી. કેજરીવાલ જેલમાં ગયા તે પહેલા માતા પિતાના આશિર્વાદ લીધા હતા અને આપના નેતાઓને મળ્યા હતા. બાદમાં કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું.
કાર્યકર્તાઓને આપેલા સંબોધનમાં કેજરીવાલે કહ્યું હતું કે હું ભ્રષ્ટાચારમાં સામેલ હોવાને કારણે નહીં પણ તાનાશાહી સામે અવાજ ઉઠાવવા બદલ પરત જેલ જઇ રહ્યો છું. મને સુપ્રીમ કોર્ટે 21 દિવસની રાહત આપી હતી જે સમયગાળો મારા માટે યાદગાર બની રહ્યો. મે એક પણ મિનિટ બરબાદ નથી કરી, દેશ બચાવવા માટે મે ચૂંટણી પ્રચાર કર્યો. આમ આદમી પાર્ટી બાદમાં પહેલા દેશ મહત્વનો છે. સાથે કેજરીવાલે દાવો કર્યો હતો કે કેન્દ્રમાં ભાજપની આગેવાનીમાં એનડીએની સરકાર બનવા જઇ રહી હોવાનો દાવો કરતા તમામ એક્ઝિટ પોલ ફેક છે.
આ એક્ઝિપોલ લોકોને હતાશામાં ધકેલવા માટેના છે.
કેજરીવાલને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનુભવી ચોર કહ્યા હતા, જેનો જવાબ આપતા કેજરીવાલે કહ્યું હતું કે ચાલો માની લઇએ કે હું અનુભવી ચોર છું, પણ તમારી પાસે મારી વિરુદ્ધમાં કોઇ પુરાવા તો છે નહીં, એક પણ રૂપિયો નથી મળ્યો, છતા મને જેલમાં ધકેલી દેવામાં આવ્યો, આ જ તો તાનાશાહી છે. અમે ભગતસિંહના ચેલા છીએ, દેશ બચાવવા માટે જેલ જઇ રહ્યા છીએ. ભગતસિંહની જેમ ફાંસીએ લટકવા માટે પણ તૈયાર છું. કાર્યકર્તાઓને સંબોધ્યા બાદમાં કેજરીવાલ તિહાર જેલ પહોંચ્યા હતા, જેલની આસપાસના વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી.


comments powered by Disqus