રાજકોટ અગ્નિકાંડ માટે પોલીસ અને મ્યુનિ. કોર્પોરેશન સહિતના વિભાગ જવાબદાર: રિપોર્ટ

Wednesday 05th June 2024 05:11 EDT
 
 

અમદાવાદઃ રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોન દુર્ઘટનામાં 27નાં કરુણ મોતની ગુજરાત સહિત દેશભરમાં ખળભળાટ મચાવનારી દુર્ઘટનામાં રચાયેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ દ્વારા પ્રાથમિક અહેવાલમાં ખુલાસો કરાયો છે કે, ટીઆરપી ગેમિંગ ઝોન દુર્ઘટના માટે રાજકોટ મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ, રાજકોટ પોલીસના સંબંધિત અધિકારીઓ અને માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીઓની જ જવાબદારી ઠરે છે અને આ સત્તાવાળાઓની જ સમગ્ર દુર્ઘટના માટે ગંભીર નિષ્કાળજી સ્પષ્ટ થાય છે. સીટે ટીઆરપી ગેમિંગ ઝોનના સંચાલકોને પણ સૌથી મોટા જવાબદાર અને બેદરકાર ઠરાવ્યા હતા કે જેમના લીધે આ કરુણાંતિકા સર્જાઈ.
બે આઇપીએસની પૂછપરછ
ટીઆરપી ગેમઝોન મામલે શનિવારે ગાંધીનગરમાં રાજ્યના પોલીસવડાએ રાજકોટના પૂર્વ કલેક્ટર અરુણ મહેશ બાબુ, રાજકોટના પૂર્વ એસપી બલરામ મીણા અને પૂર્વ ડીસીપી પ્રવીણ મીણાની પૂછપરછ કરી હતી. આ તમામ અધિકારીએ ગેમઝોન પર જઈને બર્થડે પાર્ટીના ફોટોગ્રાફ પડાવ્યા હતા, જે વાઇરલ થયા હતા.
સાગઠિયાના ધંધામાં ભાજપના નેતાનો પુત્ર ભાગીદાર
સાગઠિયા પાસે 200 કરોડની જમીન સહિતની કરોડોની મિલકતો હોવાનું કહેવાય છે. સાગઠિયા પાસે રાજકોટમાં 8 કરોડનો બંગલો, 3 પેટ્રોલપંપ, ફાર્મહાઉસ ઉપરાંત ગોંડલ, વીરપુર સહિત અનેક સ્થળે પ્રોપર્ટી હોવાનું કહેવાય છે. જેતપુર રાજકોટ નેશનલ હાઇવે ચરખડી પાસે ફાર્મહાઉસ બની રહ્યું છે. હાઇવે પર આવેલું એક ફાર્મહાઉસ પણ સાગઠિયાના પરિવારનું હોવાની ચર્ચા છે. સાગઠિયાએ આ સંપત્તિ ભાજપના એક ભૂતપૂર્વ ધારાસભ્યના પુત્ર સાથેની સાંઠગાંઠમાં ઊભી કરી હોવાનું કહેવાય છે. સાગઠિયા સામે એન્ટિ કરપ્શન બ્યૂરોની તપાસ ચાલી રહી છે પણ ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્યના પુત્રની વાત આવતાં જ ભાજપના નેતા આઘાપાછા થવા લાગે છે.
અમિત શાહે રિપોર્ટ મેળવ્યો
રાજકોટઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારે સોમનાથ મહાદેવનાં દર્શને ગયા તે પૂર્વે રાજકોટ એરપોર્ટ પર તેમણે ટૂંકુ રોકાણ કર્યું હતું. જે દરમિયાન રાજકોટ કલેક્ટર, નવા મ્યુનિસપલ કમિશનર તથા નવા પોલીસ કમિશનરને રાજકોટના નવા હીરાસર એરપોર્ટ ખાતે બોલાવી તેમની સાથે બેઠક યોજી હતી અને રાજકોટનાં નાનામવા વિસ્તારમાં સર્જાયેલા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ અંગેનો સંપૂર્ણ રિપોર્ટ માગ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.


comments powered by Disqus