વિદેશી રોકાણ મેળવવામાં ગુજરાત ચોથાથી બીજા સ્થાને આવ્યું: FDIમાં 64 ટકાનો વધારો

Wednesday 05th June 2024 05:11 EDT
 
 

અમદાવાદઃ રોકાણના મામલે ગુજરાત રોકાણકારોનું પસંદગીનું રાજ્ય રહ્યું છે. વીતેલું નાણાકીય વર્ષ સીધા વિદેશી રોકાણ (FDI) મેળવવાના મામલે ગુજરાત માટે ઘણું સારું રહ્યું છે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ DPIITના તાજેતરના આંકડા મુજબ નાણાકીય વર્ષ 2023-24માં ગુજરાતમાં વિદેશી રોકાણ આગલા વર્ષના રૂ. 37,059 કરોડથી 64 ટકા વધીને રૂ. 60,600 કરોડ પર પહોંચ્યું છે. આ સાથે જ કર્ણાટક અને દિલ્હીને પાછળ રાખીને ગુજરાત એક જ વર્ષમાં ચોથા સ્થાનેથી બીજા સ્થાને પહોંચ્યું છે. DPIIT મુજબ ભારતનું કુલ FDI ડોલરની રીતે 3.49 ટકા ઘટીને 44,423 મિલિયન ડોલર રહ્યું હતું. જો કે રૂપિયાની રીતે FDI નજીવું 0.13 ટકા વધીને રૂ. 3,67,899 કરોડે પહોચ્યું હતું.
DPIITના ડેટા પ્રમાણે ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ મેળવવામાં રૂ. 1,25,101 કરોડ સાથે મહારાષ્ટ્રએ પહેલું સ્થાન જાળવી રાખ્યું છે. ગત વર્ષે બીજા સ્થાન પર રહેલું કર્ણાટક રૂ. 54,427 કરોડ સાથે ત્રીજા નંબર પર ગબડ્યું છે. તેવી જ રીતે દિલ્હી રૂ. 53,980 કરોડનું FDI મેળવી ત્રીજામાંથી ચોથા ક્રમે પહોચી ગયું છે. DPIITના આંકડા જોતાં વિદેશી રોકાણ આકર્ષવામાં ગુજરાતે છેલ્લાં ત્રણ વર્ષોમાં સતત પ્રગતિ કરી છે. 2021- 22માં ગુજરાતમાં રૂ. 20,169 કરોડનું FDI આવ્યું હતું અને તે વર્ષમાં રાજ્ય સમગ્ર દેશમાં છઠ્ઠા સ્થાને રહ્યું હતું. વિતેલા 2 નાણાકીય વર્ષોમાં ગુજરાતમાં FDI ફ્લોમાં 200 ટકા જેવો ઉછાળો આવ્યો છે જે દેશમાં સૌથી વધુ છે. છેલ્લા 4 વર્ષથી પહેલા સ્થાને રહેનાર મહારાષ્ટ્રના FDI ફ્લોમાં માત્ર 9 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત તેલંગાણામાં 110 ટકા અને ઝારખંડના FDI ફ્લોમાં 88 ટકાનો વધારો થયો છે. ભારતમાં સૌથી વધુ વિદેશી રોકાણ મેળવનારાં 10 રાજ્યોમાંથી 5 રાજ્યોમાં FDI ઘટ્યું છે. તેલંગાણા, ઝારખંડ, ગુજરાત, તામિલનાડુ અને મહારાષ્ટ્રમાં વિદેશી રોકાણમાં 6-143 ટકાનો વધારો થયો છે. રાજસ્થાન, કર્ણાટક, હરિયાણા, ઉત્તરપ્રદેશ
અને દિલ્હીમાં FDIમાં 10-70 ટકાનો ઘટાડો નોંધાયો છે.
રોકાણ આકર્ષવામાં ગિફ્ટ સિટીની મહત્ત્વની ભૂમિકા
એસોસિએટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ગુજરાત કાઉન્સિલ કો-ચેર જૈમિન શાહે જણાવ્યું કે, ગુજરાતમાં વિદેશી રોકાણ આકર્ષવામાં ગિફટ સિટીની મહત્ત્વની ભૂમિકા છે. ગિફટમાં ફિનટેક અને IT કંપનીઓ આવી રહી છે. સાથે જ અલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ મારફતે પણ ઘણું રોકાણ આવે છે. આ ઉપરાંત હેલ્થકેર અને ફાર્મા સેક્ટરમાં ઘણું નવું ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાતના કારણે પણ FDIમાં વધારો થયો છે. બીજી તરફ સરકારની નીતિઓના કારણે ગ્રીન હાઈડ્રોજન અને રિન્યુએબલએનર્જી સેક્ટરને પ્રોત્સાહન મળ્યું છે.


comments powered by Disqus