રાજકોટઃ ગેમઝોન દુર્ઘટનામાં ધરપકડ થઈ છે તે રાજકોટ મહાપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠિયાના પાંચ માળના બંગલાની કાયદેસરતા સામે પણ સવાલો સર્જાયા છે, જેને 150 વારમાં બનાવાયો છે.
રાજકોટ મહાપાલિકામાં 10 વર્ષથી એકચક્રી શાસન ધરાવતા સાગઠિયા ખુદ અનેક દબાણો પર બુલડોઝર ફેરવવાની ઓથોરિટી ધરાવતા હતા, પરંતુ તેના ખુદના 5 માળના બંગલાને બનાવવામાં તેણે સત્તાનો પૂરેપૂરો ઉપયોગ કર્યો હતો. તેના પાડોશીઓ કહે છે કે જે રીતે શિવશક્તિ કોલોની રૂરલ હાઉસિંગ ક્વાર્ટર્સમાં આ બાંધકામ થયું, ત્યારે સાગઠિયાના એક સબંધી પોલીસમાં હોવાથી સત્તાની રૂએ અમને ધમકાવતા હતા. ઘણા મકાનોમાં તિરાડો પડી ગઈ એ રીતે ડ્રીલિંગ થયું છે. હાઉસિંગના ક્વાર્ટરમાં નવા પ્લાન મંજૂર થતા નથી પણ સાગઠિયાનો નવો પ્લાન કેવી રીતે મંજૂર થયો?
હાલ મનપાની ટી.પી. શાખા આ મામલે કંઈ કહેવા તૈયાર નથી, પરંતુ બિનસત્તાવાર રીતે ઈજનેરો કહી રહ્યા છે કે, આવી રીતે બાંધકામ થઈ ન શકે. બાંધકામમાં ગરબડ જણાઈ રહી છે. મનપાના એક ઇજનેરે કહ્યું હતું કે, આખા રસ્તાની અને પાડોશીના મકાનની ધારેધાર દીવાલો લેવામાં આવી છે, કોઈ માર્જિન મુકાયા નથી.

