આદિપુરઃ ગ્રીન કવર વધારવા માટે પાયાની સંસ્થા સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન દ્વારા આદિપુરમાં જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી વૃક્ષોનું વાવેતર કરીને બનાવાયેલા પાર્કમાં સફળ વાવેતર થયું છે અને તેનાં સારાં પરિણામ પણ મળ્યાં છે. એસઆરસી દ્વારા ડીપીએ ચેરમેન એસ.કે. મહેતાની પ્રેરણાથી આદિપુરના 6-એમાં 43 પ્રકારના જુદાજુદા 21 હજાર છોડનું વાવેતર કરાયું હતું.
બે વર્ષ પહેલાં 23 ફેબ્રુઆરી 2022ના રોજ ડીપીએ ચેરમેનના હસ્તે વિંગ્સ નેચર પાર્કનો આરંભ કરાયો હતો. આ વૃક્ષો આજે 25થી 30 ફૂટની ઊંચાઈનાં થયાં છે. પુનાની ફોરેસ્ટ ક્રિએટર નામની બિનસરકારી સંસ્થાને આ કામ અપાયું હતું. આ બાબતના નિષ્ણાત ડો. આર.કે. નાયરના માર્ગદર્શન તળે વૃક્ષોનું વાવેતર કરાયું હતું. ઝાડનું વાવેતર, ટપક પદ્ધતિ, સિંચાઈ, જમીનમાં ટાંકો બનાવવો, બેસવા માટે બેન્ચ સહિતની સુવિધા પાછળ અંદાજે રૂ. 35 લાખ જેટલો ખર્ચ થયો છે. મિયાવાકી પદ્ધતિમાં પરંપરાગત પ્લાન્ટેશન કરતાં 10 ગણા વધુ વૃક્ષો લાગે છે. આ પદ્ધતિ પરંપરાગત કરતાં વધુ સારી છે અને વધુ ઓક્સિજનનું ઉત્સર્જન કરે છે, તેમજ લીલોતરીનું આવરણ પણ વધે છે.
આ બગીચાની મુલાકાતે મોટી સંખ્યામાં સ્કૂલનાં બાળકો અને સંસ્થાઓ આવી રહી છે. અહીં લોકો યોગા, મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ વાવેતરથી પાણીનું સ્તર ઊંચું આવ્યું હોવાનું અને પાણીની ગુણવતામાં પણ સુધારો આવ્યો હોવાનું જણાઈ રહ્યું છે.

