સુરતઃ કોઈ વિસ્તારનું નામકરણ કરવા સંસ્થા કાર્યક્રમ યોજે તેવી રાજ્યની પ્રથમ ઘટના સુરતના ઉતરાણ મોટા વરાછામાં બની છે. આ વિસ્તારનું નામ ‘ડિજિટલ વેલી’ કરવા સાઉથ ગુજરાત ઇનોવેશન એન્ડ ટેક્નોલોજી કાઉન્સિલે અભિયાન ચલાવ્યા બાદ શુક્રવારે નામકરણ કરી દેવાયું છે. હવે દર વર્ષે 1 માર્ચે ડિજિટલ વેલી દિવસની ઉજવણી પણ કરાશે.
છેલ્લાં ઘણા સમયથી આ માટે પ્રયાસ ચાલી રહ્યા હતા, જેને લઈને છેલ્લાં એક અઠવાડિયામાં 25,000 હજાર લોકોએ ગૂગલમાં ડિજિટલ વેલી નામ સર્ચ કર્યું હતું. નામ બદલવાને કારણે ઉતરાણ-મોટા વરાછામાં સોફ્ટવેર કંપનીઓ સ્થાપવા માટે મુંબઈ, દિલ્હી, અમદાવાદની કંપનીઓએ ઇન્કવાયરી પણ શરૂ કરી છે.
વિસ્તારમાં 8500 ઈ-કોમર્સ કંપની
મોટા-વરાછા ઉતરાણમાં 3 કિલોમીટરમાં 8500થી વધારે ઈ-કોમર્સ કંપની છે. જ્યાં કંપનીઓ અને વેબસાઇટ દ્વારા પ્રોડક્ટનું વેચાણ કરાય છે. જેમાં મોબાઇલ, ફોનનાં કવર, છત્રી, સાડી, ડ્રેસ મટિરિયલ્સ, શૂઝનું વેચાણ થાય છે.
સુરતને નવા ઉદ્યોગની જરૂર હતી
સાઉથ ગુજરાત ઇનોવેશન એન્ડ ટેક્નોલોજી કાઉન્સિલના ડિરેક્ટર કાનજી ભલાળાએ જણાવ્યું કે, કોઈ વિસ્તારનું નામ બદલવા કાર્યક્રમ યોજાયો હોય તેવું પહેલીવાર બન્યું છે. ઉતરાણ કે મોટા વરાછાના લોકોને કદાચ ખબર નથી, પણ ગૂગલમાં સર્ચ કરશો તો નામ ડિજિટલ વેલી દેખાશે. છેલ્લાં થોડાં વર્ષોથી હું કહેતો હતો કે, સુરત ડાયમંડ સિટી, ટેક્સટાઇલ સિટી હવે આઇટી હબ તરીકે ઓળખાશે. સુરતમાં નવા બિઝનેસને પ્રમોટ કરવાની જરૂર હતી. જેના દ્વારા નવા 2500 સ્ટાર્ટઅપને રોકાણ મળી શકશે.

