ઉત્તર ગુજરાત લોકસભા બેઠક પર ભાજપની પસંદગીએ સૌને ચોંકાવ્યા

Tuesday 05th March 2024 15:48 EST
 
 

પાટણઃ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને ભાજપ મોવડી મંડળ દ્વારા ફરી ટિકિટ અપાઈ છે, જેને લઈને ભાજપના આગેવાનો, કાર્યકરો સહિત પાટણ લોકસભા વિસ્તારના મતદારોમાં ખુશીનો માહોલ છવાયો છે. ભરતસિંહ ડાભીના નામની ઘોષણાને ભાજપ કાર્યકરોએ શહેરના બગવાડા દરવાજા ખાતે આતશબાજી સાથે મોં મીઠું કરાવી વધાવી હતી. પાટણ લોકસભા બેઠક પર 2019માં વિજેતા બન્યા બાદ તેઓએ પાટણના રેલવેના પ્રશ્ને અનેક રજૂઆતો કરી પાટણને રેલવેની તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તો કોરોનાના સમયમાં પાટણની ધારપુર હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલમાં પણ કોરોના વેક્સિન તેમજ ઓક્સિજન, વેન્ટિલેટર સહિત આરોગ્યની સેવાઓ કાર્યરત કરી આગવી લોકચાહના પ્રાપ્ત કરી હતી.
બનાસકાંઠામાં યુવા મહિલા ઉમેદવારની પસંદગી
બનાસકાંઠા બેઠક પર ભાજપ હાઇકમાન્ડે શનિવારે યુવા મહિલા ઉમેદવારની પસંદગી કરી છે. ભાજપે બનાસ ડેરીના આદ્યસ્થાપક સ્વ. ગલબાભાઈ પટેલની પૌત્રી તેમજ એમ.એસ.સી, એમ.ફીલ સુધીનો અભ્યાસ કરનારા મહિલા કાર્યકર ડો. રેખાબહેન હિતેશભાઈ ચૌધરીના નામની જાહેરાત કરી છે. જેઓ કોલેજમાં પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યાં છે. તેમના પતિ હિતેશભાઈ ચૌધરી ભાજપના મોરબી જિલ્લાના પ્રભારી તરીકે જવાબદારી નિભાવે છે. ડો. રેખાબહેનના દાદા સ્વ. ગલબાભાઈએ બનાસડેરીની સ્થાપના કરી હતી, જે પશુપાલકો અને ખેડૂતો માટે જીવાદોરીસમાન છે. રેખાબહેન ચૌધરી સમાજમાંથી આવે છે અને જિલ્લામાં ચૌધરી સમાજના મત પણ વધુ છે.


comments powered by Disqus