ઔરંગાબાદ મદરેસામાં સુરતના કિશોરને ઢોરમાર મરાયો

Tuesday 05th March 2024 16:07 EST
 
 

સુરતઃ મહારાષ્ટ્રના ઔરંગાબાદના ખુલદાબાદ મદરેસામાં આલિમ બનવા ગયેલા સુરતના ભેસ્તાનના 16 વર્ષીય તરુણને ઘડિયાળ ચોરીની શંકામાં તાલિબાની સજા આપવામાં આવી હતી.
ઘટના અંગે તરુણના પરિવારે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના ઔરંગાબાદથી 25 કિ.મી.ના અંતરે ખુલદાબાદ છે. અહીંના મદરેસામાં અમે અમારા 16 વર્ષીય દીકરાને આલિમ બનવા માટે મૂક્યો હતો. દરમિયાન ગત રવિવારે અમારા મોબાઇલ પર એક વીડિયો આવ્યો હતો, જેને જોતાં જ અમને આઘાત લાગ્યો હતો. જેમાં અમારા દીકરાને ખુલ્લા શરીરે તાલિબાની સજા આપઈ રહી હતી અને એક પછી એક એમ 10 લોકો તેને જોરજોરથી મારતા હતા.
એક તરફ અમારો દીકરો રડી રહ્યો હતો, તો બીજી તરફ તેને કોઈપણ બચાવતું નહોતું. આમ આ વીડિયો બાદ અમે પહેલા તો ત્યાંના સ્થાનિક પોલીસ મથકનો નંબર શોધીને તેમને જાણ કરી હતી. ત્યારબાદ અમે તાત્કાલિક ખુલદાબાદ મદરેસામાં જઈ ટ્રસ્ટીઓને મળ્યા હતા, જ્યાં ટ્રસ્ટીઓએ તાલિબાની સજા આપનારા મૌલાના શિક્ષકે ચોરીની શંકાથી માર માર્યો હોય અને એને કાઢી મૂક્યો હોવાનું જણાવ્યું હતું.
કિશોરના પરિવારે જણાવ્યું કે, અમારા દીકરાને ન્યાય મળે અને અન્ય કોઈના બાળક સાથે આવી ઘટના ન બને એ માટે અમે સ્થાનિક પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા ગયા હતા, ત્યાં પણ અમને સ્થાનિક લોકોએ ઘેરી લઈ ધમકી આપી હતી. જેથી જીવ બચાવવા માટે અમારે સ્થાનિક પોલીસ અધિકારીની મદદ લેવી પડી હતી.


comments powered by Disqus