કચ્છના ચાઇના ક્લે ઉદ્યોગને લાગ્યું મંદીનું મહાગ્રહણ

Tuesday 05th March 2024 16:01 EST
 
 

કોટડાઃ કચ્છના ખનિજ ક્ષેત્રમાં તાલુકાના અનેક વિસ્તારોમાં સફેદ માટી એટલે કે ચાઇના ક્લે મોટા પ્રમાણમાં મળે છે. ભુજ તાલુકાના શેખપીરથી પદ્ધર, કાળી તળાવડી, મમુઆરા, ધાણેટી, નાડાપા, મોખાણા સુધીના વિસ્તારોમાં 350થી વધુ પ્રોસેસિંગ પ્લાન્ટ કાર્યરત્ છે. આ એકમો રો-મટિરિયલથી પાકો માલ તૈયાર કરે છે. કોરોનાની બીજી લહેરમાં ઉદ્યોગોને મોટી અસર પડી હતી. આ પ્લાન્ટોનો પાકો માલ ગુજરાત સિરામિક ઉદ્યોગના વોલ ટાઇલ્સ અને વિટ્રિફાઇડ પેપરની મિલોમાં જાય છે. જો કે મોરબી અને આસપાસના વિસ્તારમાં ધમધમતી 500થી વધુ ફેક્ટરીમાં મંદીના પગલે ઉત્પાદન ઓછું કરી દેવાયું છે, અથવા એકમોને બંધ કરી દેવામાં આવ્યાં છે.
સ્થાનિક બજારોમાં પણ માગ ઘટી જવાથી ઉત્પાદન ઓછું કરી દેવાયું છે. આ મિલોમાં રાજસ્થાનથી પાકો માલ આવી રહ્યો હોવાથી તેની અસર પણ કચ્છના પ્લાન્ટથી ઉત્પાદિત માલ પર પણ પડી છે. ચીન, સાઉદી જેવા દેશથી કચ્છમાં મુંદ્રા અને કંડલા પોર્ટથી રો-મટિરિયલ તેમજ પાઉડર, લેવીગેટ, સિલિકા પણ મોટા પ્રમાણમાં એક્સપોર્ટ થઈ રહ્યા છે. લાંબા સમયથી આ પ્લાન્ટો ચાલુ રાખવા પ્લાન્ટ માલિકો માટે મુશ્કેલ બન્યા છે. પદ્ધર-ધાણેટી સીમાડામાં કાર્યરત્ પ્લાન્ટમાં માલના ઢગલા પડ્યા છે. આ પ્લાન્ટમાં ગુજરાત, ડાંગ, મધ્યપ્રદેશ, જાંબુઆ, રાજસ્થાન સહિત વિસ્તારોના હજારો લોકો જોડાયેલા છે, જેમની રોજગારી પર ઉદ્યોગની મંદીથી અસર પડી રહી છે.


comments powered by Disqus