ગાંધીનગરઃ ગુજરાતની લોકસભાની 26 બેઠકો પૈકી ભાજપે પોતાના 15 ઉમેદવારની યાદી જાહેર કરી છે. જો કે કોંગ્રેસે પાર્ટી આ લોકસભા ચૂંટણીમાં ઓબીસી નેતાઓને ભરપૂર તક આપી શકે છે. ઉત્તર ગુજરાતમાં ત્રણ ઠાકોર, સૌરાષ્ટ્રમાં બે કોળી તથા મધ્ય ગુજરાતમાં આણંદ, ખેડા, પંચમહાલ ઉપરાંત અમદાવાદ પૂર્વ બેઠક પર પણ ઓબીસી સમુદાયના નેતાને કોંગ્રેસ તક આપી શકે છે. અલબત્ત સૌરાષ્ટ્રમાં અમરેલી, રાજકોટ, પોરબંદર અને સાબરકાંઠામાં પાટીદાર નેતાને મેદાને ઉતારે તેવી શક્યતા છે.
સૂત્રો મુજબ પાર્ટી બનાસકાંઠા બેઠક પર વાવના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોર, મહેસાણામાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર, પાટણ બેઠક પર પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અથવા રઘુ દેસાઈને ઉમેદવાર બનાવી શકે છે. સાબરકાંઠામાં ક્ષત્રિય નેતા રાજેન્દ્રસિંહ કુંપાવત અથવા પાટીદાર ચહેરો કમલેશ પટેલના નામની ચર્ચા છે. અમદાવાદ પૂર્વ બેઠક પર ઓબીસી સમુદાયને તક મળી શકે છે. ગાંધીનગરમાં અમિત શાહની સામે કોંગ્રેસ ઠાકોર ઉમેદવારને ઉતારી શકે. ભાવનગર બેઠક પર પહેલેથી જ આપ સાથે સંયુક્ત ઉમેદવાર ઉમેશ મકવાણા મેદાને છે, તે સિવાય જૂનાગઢમાં ધારાસભ્ય વિમલ ચૂડાસમા, સુરેન્દ્રનગરમાં પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ કે પૂર્વ ધારાસભ્ય ઋત્વિજ મકવાણા, અમરેલીમાં વીરજી ઠુમ્મર, જેની ઠુમ્મર, પરેશ ધાનાણી,ે પ્રતાપ દૂધાત ઊભા રહી શકે. જ્યારે જામનગરમાં ફરી વિક્રમ માડમ અને આણંદમાં ભરતસિંહ સોલંકીની શક્યતા છે.

