ગાંધીનગરઃ ગુજરાત કોંગ્રેસ માટે 4 માર્ચ અને 5 માર્ચ ભાજપનું ઓપરેશન કમળ ગ્રહણ બની ગયું. લોકસભાની ચૂંટણી આવી રહી છે અને કોંગ્રેસના મોવડી રાહુલ ગાંધી ગુજરાતમાં તેમની ભારત જોડો ન્યાયયાત્રા શરૂ કરે તે પહેલાં જ બે દિવસમાં 4 કોંગ્રેસ દિગ્ગજ રાજીનામાં ધરી ભાજપમાં જોડાઈ ગયા છે. 4 માર્ચે નવસારી કોંગ્રેસના નેતા ધર્મેશ પટેલ સહિત કોંગ્રેસે દિગ્ગજ પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસમાંથી રાજીનામાં આપી દીધાં હતાં. તો 5 માર્ચે મૂળુ કંડોરિયા સહિત મોરબીના અન્ય 8 કોંગ્રેસ આગેવાને પણ રાજીનામું આપી દીધું છે. એટલે કે બે દિવસમાં જ કોંગ્રેસમાંથી 12 દિગ્ગજોનાં રાજીનામાં પૂડી ચૂક્યાં છે. ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે 5 માર્ચે સી.આર. પાટીલ દ્વારા આ તમામને કેસરિયો ધારણ કરાવી ભાજપમાં આવકાર્યા હતા.
દેશ માટે મોદી-શાહ સમર્પિતઃ મોઢવાડિયા
ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, ‘છેલ્લા ઘણાં સમયથી હું ગુંગળામણ અનુભવતો હતો,’ મેં અને અંબરીશભાઈએ 4 માર્ચે જ પાર્ટી છોડવા નિર્ણય કર્યો. દેશની આઝાદી પહેલાં જે રાજકીય આઝાદી મેળવવાનું લક્ષ્ય હતું. હું કોઈ લાલચ વગર પક્ષમાં જોડાયો છું. અત્યારે કોંગ્રેસમાં એનજીઓ જેવી હાલત છે. અમે બદલાવ લાવી શકીએ એમ નહોતા અને ભાજપમાં મને આ સપનું સાકાર થતું હોય એમ લાગે છે એટલે ભાજપમાં જોડાયો છું.
શું કહ્યું અંબરીશ ડેરે?
પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે ભાજપમાં જોડાયા બાદ જણાવ્યું, કોંગ્રેસ મોવડી મંડળને નજીકના લોકોએ જે રીતે ગેરમાર્ગે દોર્યા, જે મારા સહિત અનેક લોકોને ન ગમ્યું. કોઈને દોષ નથી આપવા. રાજુલાથી આગામી સમયમાં અન્ય લોકો પણ ભાજપમાં જોડાશે. પાર્ટી જે જવાબદારી સોંપશે તે પ્રામાણિકતાથી નિભાવીશ. કપરા સમયમાં મેં કોંગ્રેસને સાથ આપ્યો, પરંતુ પક્ષ દ્વારા સતત અસંતોષથી મેં રાજીનામું આપી પ્રજા માટે કંઈક કરવાના આશય સાથે ભાજપમાં જોડાયો છું. પ્રજા સાથે જે પક્ષ કનેક્શન ગુમાવે એ લાંબું ટકે નહીં.

