ચરોતરની બંને બેઠક પર ભાજપની પાટીદાર-ક્ષત્રિય ફોર્મ્યુલા યથાવત્

Tuesday 05th March 2024 16:03 EST
 
 

નડિયાદઃ ચરોતરમાં મહત્ત્વની ગણાતી આણંદ અને ખેડા બેઠક પર ભાજપે જ્ઞાતિના સમીકરણની ફોર્મ્યુલાને જાળવી રાખતાં બંને સાંસદોને રિપીટ કર્યા છે. જેમાં ખેડામાં દેવુસિંહ ચૌહાણને ચોથી વખત જ્યારે આણંદના મિતેષ પટેલને બીજી વખત રિપીટ કરાયા છે. આ બંનેના નામની જાહેરાત થતાં જ તેમના સમર્થકોએ કમલમ ખાતે ફટાકડા ફોડીને નિર્ણયને વધાવી લીધો હતો.
ભાજપે ખેડાથી સતત ચોથી વખત દેવુસિંહ ચૌહાણને સાંસદની ટિકિટ આપી છે, ત્યારે ભાજપે ખેડા જિલ્લામાં પણ રિપીટ થિયરી અપનાવતાં રાજકીય ગરમાવો આવી ગયો છે. દેવુસિંહ ચૌહાણ વર્ષ 1989થી 2002-13વર્ષ સુધી આકાશવાણી કેન્દ્રમાં એન્જિનિયર તરીકે સેવા આપ્યા બાદ વર્ષ 2002માં રાજીનામું આપી જાહેર જીવનમાં પ્રવેશ્યા હતા. વર્ષ 2007માં ભાજપના ઉમેદવાર તરીકે માતર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય તરીકે ચુંટાયા હતા.
વર્ષ 2009માં ખેડા લોકસભાના ઉમેદવાર તરીકે માત્ર 746 મતથી હાર બાદ 2012માં પુનઃ ભાજપના ઉમેદવાર તરીકે માતર વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2014માં ભાજપના ઉમેદવાર તરીકે ખેડા લોકસભા વિસ્તારમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા દિનશા પટેલને પરાજય આપીને પ્રથમ વખત સાંસદ બન્યા હતા. જ્યારે તેઓએ વર્ષ 2016થી 2021 સુધી ખેડા જિલ્લા ભાજપ અધ્યક્ષપદે રહી સાંસદ ઉપરાંત સંગઠનની જવાબદારી સંભાળી હતી.
આણંદ લોકસભા બેઠકમાં વર્તમાન સાંસદ મિતેશ પટેલને ફરીથી એકવાર તક અપાઈ છે. બકાભાઈના હુલામણા નામથી જાણીતા મિતેશ પટેલ વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકી સામે 1,97,718 મતથી ચૂંટાયા હતા.
મિતેશ પટેલે જણાવ્યું કે, સંગઠનના હોદ્દેદારો અને આણંદ જિલ્લાની પ્રજાએ મારા પર વિશ્વાસ મૂકીને 5 વર્ષ સાંસદ તરીકે કામ કરવાની તક આપી છે. છેલ્લાં 5 વર્ષમાં આણંદ મત વિસ્તારમાં ઘણા વિકાસકાર્યો કર્યાં છે અને આગામી 5 વર્ષમાં બાકી રહેલાં કામોને પૂર્ણ કરવા સાથે વિકાસને વેગવંતો બનાવાશે.


comments powered by Disqus