ભુજઃ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ચાંગા ગામની પૂર્વ દિશાએથી પાણીની લાઈનના ખોદકામ દરમિયાન અંદાજે 11મીથી 13મી સદી વચ્ચેના સમયની 3 મૂર્તિ મળી છે, જેમાં સનાતન ધર્મની દશભુજાવાળા ચામુંડા દેવી, ચતુર્ભુજ અર્ધનારી નટેશ્વરી શિવ, જૈન ધર્મના તપસ્વીની મૂર્તિ છે.
જેને કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં પુરાતત્ત્વ વિભાગનું કાર્યક્ષેત્ર સંભાળતી ભુજસ્થિત કચેરીને સુપરત કરી છે. જે ટૂંક સમયમાં કચ્છ મ્યુઝિયમમાં પ્રદર્શન માટે મૂકવામાં આવશે. ગ્રામજનોએ પ્રારંભમાં ત્રણેય મૂર્તિઓ ચાંગા ગામના ઠાકર દેવના મંદિરના પ્રાંગણમાં સુરક્ષિત રીતે રાખી હતી.
શિવ સંપ્રદાયની 2 ફૂટ ઊંચી મૂર્તિ
કાળા પથ્થરમાંથી શિવ સંપ્રદાયની 2 ફૂટ ઊંચી મૂર્તિ છે. જેની તપાસમાં ચતુર્ભુજ શિવના અર્ધનારી નટેશ્વર સ્વરૂપની જણાય છે. અથવા તો શિવ સંપ્રદાયના લકુલીશ પંથની મૂર્તિ હોવાનું અનુમાન છે. મૂર્તિના બે હાથ ખંડિત છે.
ચામુંડા દેવીની મૂર્તિમાં વિક્રમ સંવત 1132નો ઉલ્લેખ
આરસથી બનેલી દશભુજાવાળાં ચામુંડા દેવીની મૂર્તિમાં વિક્રમ સંવત 1132નો ઉલ્લેખ છે. જેની ઊંચાઈ 4 ફૂટ 10 ઈંચ છે. મૂર્તિના દશ હાથમાંથી બંને બાજુના કુલ 8 હાથ ખંડિત છે. દસે હાથોમાં વિવિધ આયુધ અને પાશદંડ, ખોપરી વગેરે ધારણ કરેલાં છે. મૂર્તિની નીચેની બાજુ બે લાઇનમાં લખાણ છે.
જૈન મૂર્તિ કોઈ દાનવીરની હોવાની સંભાવના
આરસથી બનાવવામાં આવેલી જૈન દાનવીરની ખંડિત મૂર્તિની પ્રાથમિક તપાસમાં જૈન મંદિરના નિર્માણમાં દાન આપનારા કોઈ શ્રેષ્ઠીની જણાય છે. જે સામાન્ય રીતે ઉત્તર ગુજરાતનાં પ્રાચીન જૈન મંદિરોમાં જોવા મળે છે, અથવા તો કોઈ જૈન તપસ્વીની હોવાનું જણાય છે.

