ધાનેરાઃ લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જાણે ભરતી મેળો ચાલી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા અને ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલે રાજીનામું આપી દીધું છે. આ સાથે તેઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે.
ધાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય જોઇતા પટેલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને પત્ર લખી કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું છે. 1963માં કોંગ્રેસ સાથે જોડાયેલા જોઈતાભાઈ પટેલ 82 વર્ષની જઇફ વયે હવે કેસરિયા કરશે. ધાનેરા મત વિસ્તારમાંથી 1980 થી 1990 સુધીની બે ટર્મ અને 2012 થી 2017 સુધી એમ ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા જોઈતા ચૌધરી આંજણા સમાજના નેતા છે. 1961માં રાજકારણમાં પ્રવેશેલા જોઈતા પટેલ રાજકારણ, સહકાર ઉપરાંત સામાજિક પકડ પણ સારી ધરાવે છે.
જોઇતા પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસને રામરામ કરવાનો વિચાર બનાવેલો હતો એટલે રામરામ કર્યા. ભવિષ્યમાં ભાજપમાં કામ કરવાની ઇચ્છા ખરી. 82 વર્ષની ઉંમરે મારે ચૂંટણી લડવાની નથી.

