નવી દિલ્હીઃ દેશમાં સેમિ કન્ડક્ટરના મેન્યુફેક્ચરિંગ પર કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે. ગુરુવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં તેની સાથે જોડાયેલા ત્રણ પ્રોજેક્ટ્સને મંજૂર કરી દીધા છે. તેની સાથે જ ભારતમાં રૂ. 1.26 લાખ કરોડના રોકાણ સામે સેમિ કન્ડક્ટરની સંપૂર્ણ વેલ્યુ ચેઇન સ્થાપિત કરાશે. જે અંતર્ગત 91 હજાર કરોડના ખર્ચે ધોરેલા સેમિ કંડક્ટર પ્લાન્ટની સ્થાપના કરાશે. બાદમાં સાણંદમાં પ્લાન્ટ ઊભો કરાશે.
ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, આ પ્લાન્ટનું ભૂમિપૂજન ટૂંક સમયમાં જ કરાશે અને આગામી 100 દિવસની અંદર તેનું બાંધકામ શરૂ કરાશે. આ એકમો 20 હજાર પ્રત્યક્ષ અને 60 હજાર પરોક્ષ રોજગારીનું સર્જન કરશે. તાતાના આ પ્લાન્ટની ક્ષમતા પ્રતિ મહિને 50,000 વેફર્સ ઉત્પાદનની રહેશે. એક વેફરમાં 5,000 ચિપ્સ હોય છે, તેથી કુલ મળીને દરવર્ષે ત્રણ અબજ ચિપ્સનું ઉત્પાદન થશે. તાતા સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ પ્રા.લિ. આસામમાં 20,000 કરોડનું સેમિકન્ડક્ટર એકમ સ્થાપિત કરશે.

