રાજકોટઃ શહેરના જાણીતા બિલ્ડર્સનાં 30 જેટલાં સ્થળે ઇન્કમટેક્સે શરૂ કરેલી તપાસની કાર્યવાહી પૂર્ણ થઈ છે અને આશરે રૂ. 500 કરોડથી વધુના બેનામી વ્યવહાર મળ્યા હોવાની ચર્ચા છે. આગામી દિવસોમાં હજુ વધુ ઊંડી તપાસ થવા ઉપરાંત સીલ કરાયેલાં લોકર્સ ખૂલશે ત્યારે આંકડો વધી શકે તેવી શક્યતા પણ વ્યક્ત કરાઈ છે.
રાજકોટમાં શનિવારે બપોરે તમામ 30 સ્થળે દરોડા કાર્યવાહી પૂર્ણ કરાઈ હતી. મંગળવારે સવારથી ઇન્કમટેક્સ બિલ્ડરોના સ્થળો પર તંત્ર ત્રાટક્યું હતું. આ તપાસમાં મોટા પ્રમાણમાં દસ્તાવેજો કબજે થયા છે. જેમાં મળેલા બિનહિસાબી નાણાકીય વ્યવહારોનો આંકડો રૂ. 500 કરોડથી વધુનો રહ્યો છે અને તેમાં મોટા પ્રમાણમાં રોકડ વ્યવહારોનો પણ ખુલાસો થયો છે. દરોડામાં રૂ. 3 કરોડ જેટલી રોકડ જપ્ત કરાઈ છે, તો 18 બેન્ક લોકર સીલ કરાયાં છે. લોકર્સ આવનારા દિવસોમાં ખોલવામાં આવશે અને તેમાં વધુ દસ્તાવેજો-રોકડ-ઝવેરાત વગેરે મળવાની શક્યતા છે.

