નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી માટે ભાજપ દ્વારા લાંબા સમયથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે પ્રત્યેક બેઠક પર ભારે વિચારવિમર્શ બાદ ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે 195 ઉમેદવારનાં નામ સાથેની પોતાની પ્રથમ યાદી શનિવારે જાહેર કરી દેવામાં આવી છે. જેમાં 16 રાજ્ય અને 2 કેન્દ્રશાસિત પ્રદેશના ઉમેદવારોનો સમાવેશ થાય છે. ભાજપે 195 ઉમેદવારોના નામની યાદીમાં 34 કેન્દ્રીય મંત્રીના નામનો પણ સમાવેશ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી વારાણસીથી ચૂંટણી લડશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર અને રાજનાથસિંહ લખનઉની બેઠક પરથી ચૂંટણી સંગ્રામમાં ઝુકાવશે. તો કોંગ્રેસનો ગઢ ગણાતા અમેઠીમાં ફરી સ્મૃતિ ઇરાનીને ટિકિટ અપાઈ છે, ઉત્તરપ્રદેશ લોકસભાની સૌથી વધારે બેઠક ધરાવતું રાજ્ય હોવાથી ભાજપે તેના પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જે અંતર્ગત ઉમેદવારની તૈયારીના ભાગરૂપે ત્યાં સૌથી વધુ 51 ઉમેદવારના નામની જાહેરાત કરાઈ છે. અહીં માત્ર 4 નવા ચહેરાને તક આપી અન્ય 47 વર્તમાન સાંસદો પર વિશ્વાસ જાળવી રખાયો છે.
યાદીમાં બે પૂર્વ મુખ્યમંત્રી, 28 મહિલાઓ, 47 યુવાન નેતા, 27 એસસી, 18 એસટી અને 57 ઓબીસી ઉમેદવારોને યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે.
આગામી લોકસભાની ચૂંટણી માટે ભાજપે પોતાના માટે 370 અને એનડીએ માટે 400+ બેઠકો પર વિજય લક્ષ્યાંક રાખ્યો છે.
મધ્યપ્રદેશમાં પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને વિદિશા અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને ગુનાથી ટિકિટ અપાઈ છે, તો રાજસ્થાનમાં અર્જુન મેઘવાલ, ભૂપેન્દ્ર યાદવ, ઓમ બિરલા ચૂંટણી લડશે. છત્તીસગઢમાં ભાજપે 11 બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા, જેમાં માત્ર બે વર્તમાન સાંસદ પર વિશ્વાસ રાખી 7 નવા ચહેરાને તક અપાઈ છે. ભાજપે કેરલમાં મુસ્લિમ નેતા ડો. અબ્દુલ સલામને મલપ્પુરમથી ટિકિટ આપી છે. તો દિલ્હીમાં 7 પૈકી 5 નવા ચહેરાને ઉતારાયા છે. ચૂંટણીપંચ 13 માર્ચ પછી ગમે ત્યારે ચૂંટણીની તારીખનું એલાન કરી શકે છે.

