રાજકોટઃ લોકસભા-2024ની ચૂંટણી જાહેર થાય તે પહેલાં જ ભાજપે એક કદમ આગળ વધીને બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવાનું શરૂ કરી દીધું છે. ભાજપે બહાર પાડેલી યાદીમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં 4 લોકસભાની બેઠકોના ઉમેદવાર જાહેર કરાયા છે. જેમાં કચ્છમાં વિનોદ ચાવડા અને જામનગરમાં પૂનમ માડમને પુનઃ તક અપાઈ છે. જ્યારે બે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાને રાજકોટ તથા મનસુખ માંડવિયાને પોરબંદરથી ઉતારાયા છે. રાજકીય વર્તુળોમાં થતી ચર્ચા મુજબ જે 4 નામ જાહેર થયાં, તે ઉમેદવારોની સેન્સ લેવાઈ તે પહેલાંથી જ ચર્ચામાં હતા અને નક્કી મનાતા હતા.
અલબત્ત કેન્દ્રીય પશુપાલન અને મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલા તેમજ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાને રાજ્યસભાથી સંસદમાં લઈ જવાયા હતા, પરંતુ આ વખતે રાજ્યસભામાં નવા ચહેરા ઉતારીને તેમને લોક્સભાથી તક અપાઈ છે. આમ તેઓએ સિલેક્શનને બદલે ઈલેક્શન લડવું પડશે.
પરષોત્તમ રૂપાલાને રાજકોટથી ઉતારાતાં વર્તમાન સાંસદ મોહનભાઈ કુંડારિયાનું પત્તું કપાયું છે, જ્યારે પોરબદરમાં માંડવિયાને ઉતારાતાં વર્તમાન સાંસદ રમેશભાઈ ધડુકનું નામ ઊડી ગયું છે.
નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં રહેલા અને તેમના કામો-લક્ષ્યાંકોને સુપેરે પાર પાડતા હોવાથી વિનોદ ચાવડાને કાર્યનિષ્ઠા ફળી છે અને પુનઃ તક અપાઈ છે. નોંધનીય છે કે, વિનોદ ચાવડા વર્ષ 2019ની લોકસભા ચૂંટણી જંગી લીડથી જીત્યા હતા.
જામનગરમાં પણ વર્તમાન યુવા સાંસદ પૂનમ માડમ આહિર સમાજમાંથી આવે છે અને દ્વારકામાં તાજેતરમાં યોજાયેલા આહિરાણીઓના મહારાસને રાજકીય શક્તિપ્રદર્શન તરીકે જોવામાં આવ્યું હતું. જ્ઞાતિ-જાતિનાં સમીકરણોને ધ્યાનમાં રાખીને ઉમેદવાર નક્કી કરવામાં આવ્યાં છે. પૂનમ માડમ ગત લોકસભાની ચૂંટણી 3.39 લાખ મતથી જીત્યાં હતાં.
ભાજપમાં અંદરખાને થતી ચર્ચા મુજબ રમેશભાઈ ધડુકને ગઈ લોકસભા વખતે મળેલી ટિકિટ આશ્ચર્યજનક હતી અને આ વખતે તેમનું નામ નો રિપીટમાં જ હતું. જ્યારે મોહનભાઈની ચૂંટણી લડવાની અંદરની ઇચ્છા છતાં તેમને આરામ અપાયો છે. મહત્ત્વનું છે કે, હજુ પણ સૌરાષ્ટ્રની 4 સીટ અમરેલી, જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગરથી નામની જાહેરાત બાકી છે.

